સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું
ગુજરાતમાં ત્રણ મહિનામાં પંદર લોકોએ જીવ ગુમાવ્યાં
સુરતઃ ગુજરાતમાં પરિવાર સહિત આપઘાતના કિસ્સા વધતા જાય છે, જેમાં અગાઉ માર્ચ મહિનામાં પરિવારના સભ્યોએ જીવન ટૂંકાવ્યાના કિસ્સા આજે વધુ એક બનાવ બન્યો હતો. એક જ પરિવારના ચાર સભ્યોએ અંતિમ પગલું ભરતા સુરતમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે આ બનાવ બન્યા પછી ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.
સુરતના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત રાજહંસ ફ્લેટમાં રહેનારા એક જ પરિવારના ચાર સભ્યના મૃતદેહ મળ્યા છે. રાત્રે જમ્યા પછી પરિવાર સૂઈ ગયો હતો. મૃતકમાં ત્રણ મહિલા અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. મૃતક ત્રણેય બહેન છે. પાંચમા માળે રહેતા ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા. તમામની ઉંમર પંચાવનની આસપાસ છે. જોકે, જહાંગીરપુરા નજીક આ પરિવારમાં એક પુત્ર રહે છે. તેણે સવારે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈએ દરવાજો ખોલ્યો નહોતા. બીજી ચાવીથી દરવાજો ખોલ્યા પછી ચાર જણ મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
મૃતદેહો મળ્યા પછી આસપાસના ઘરોના રહેવાસીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહોનો પોલીસે કબજો મેળવીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આ બનાવ અંગે કહ્યું કે એક જ પરિવારના ચાર સભ્યના મૃતદેહ મળ્યા છે. રાત્રે ભોજન લીધા પછી સૂઈ ગયા હતા, ત્યારબાદ ઉઠ્યા નહોતા. મૃતકમાં ત્રણ મહિલા જસુબેન વાઢેર, હીરાભાઈ મેવાડા, ગૌરીબેન મેવાડા અને શાંતાબેન વાઢેર તરીકે કરી છે. જોકે, પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા છે કે હત્યા એના અંગે પોલીસ પ્રશાસન તપાસ કરી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે માર્ચ મહિનામાં સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ સભ્ય દ્વારા જીવન ટૂંકાવ્યાનો કિસ્સો બન્યો હતો. આ બનાવમાં પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેર આપીને પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગુજરાતમાં પરિવારના સભ્યો સાથે આત્મહત્યાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં છેલ્લા ત્રણ મહિનામાં સુરત, ભરૂચ, વડોદરા અને રાજકોટ મળીને કુલ પંદર લોકોના મોત થયા છે.
