એન્જિનમાં આગ લાગી હોવાની અફવાને પગલે ટ્રેનમાંથી પ્રવાસીઓ કૂદયા, ચારનાં મોત
રાંચી: ઝારખંડ ખાતે આવેલા લાતેહારમાં સાસારામ-રાંચી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા મચેલી ભાગદોડમાં ચાર પ્રવાસીના મૃત્યુ થયા હતા જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
મળી રહેલી માહિતી ઈન્ટરસિટી એક્સપ્રેસ જ્યારે કુમંડીહ સ્ટેશન પર પહોંચી એ જ સમયે ફાયર એલાર્મ વાગ્યું હતું અને એવી અફવા સાંભળવા મળી હતી કે ટ્રેનના એન્જિનમાં આગ લાગી ગઈ છે. આ અફવાને કારણે પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેમણે જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદકા માર્યા હતા અને એ જ સમયે સામેથી આવી રહેલી ગુડ્સ એકસપ્રેસ ટ્રેને પ્રવાસીઓને અડફેટે લીધા હતા.
અત્યાર સુધી આ દુર્ઘટનામાં ચાર પ્રવાસીઓના મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 પુરુષ અને એક મહિલાનો સમાવેશ છે. જોકે, હજી સુધી મૃતકોની ઓળખ ન થઈ શકી હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ સિવાય ચાર પ્રવાસીઓને ઈજા પહોંચી હોઈ એમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે રાતના આઠ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. આ બનાવ પછી ધનબાદ ડિવિઝનની અનેક ટ્રેનસેવા પર અસર થઈ હતી.
આ દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલવેના અનેક વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે તાત્કાલિક બચાવકાર્ય હાથ ધર્યું હતું. એવી આશંકા પણ વ્યકત કરાઈ રહી છે કે આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે.
રેલવે દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ઝારખંડના ધનબાદ ડિવિઝનના કુમંડીહ સ્ટેશન પર સાસારામ ઇન્ટરસિટી એક્સપ્રેસ (18635)માં આગ લાગી હોવાની અફવા ફેલાઈ હતી.
આ પછી અફડાતફડી મચી ગઈ હતી. જીવ બચાવવા માટે પ્રવાસીઓએ ટ્રેનમાંથી કૂદકા માર્યા હતા અને એ દરમિયાન બીજી બાજુથી આવતી એકસપ્રેસ ટ્રેને પ્રવાસીઓને અડફેટે લીધા હતા. જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે.
