February 19, 2026
ટોપ ન્યુઝમુંબઈ

Central Railwayના પ્રવાસીઓની હાલાકીનો અંત ક્યારે? અઠવાડિયાના બીજા દિવસે પણ ટ્રેનોના ધાંધિયા…

Spread the love

મુંબઈ: મધ્ય રેલવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. થોડાક દિવસ પહેલાં જ મધ્ય રેલવે પર સુવિધાઓ વધારવાના નામે 99 કલાકનો જંબો મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો અને એવી આશા સેવાઈ રહી હતી કે આ મેગા બ્લોક બાદ મધ્ય રેલવેના પ્રવાસીઓની હાલાકી ઓછી થશે. પરંતુ વાસ્તવિકતામાં એવું કંઈ જ નથી થયું અને ત્યારથી શરૂ થયેલા ટ્રેનોના ધાંધિયા આજ દિન સુધી યથાવત્ રહેતાં પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અઠવાડિયાના પહેલાં જ દિવસે ટ્રેનો 20થી 25 મિનિટ મોડી દોડી હતી અને મંગળવારે પણ પરિસ્થિતિમાં ખાસ કંઈ સુધારો જોવા મળ્યો નહોતો.

રેલવેના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સોમવારે દાદર અને સીએસએમટી સ્ટેશન વચ્ચે ટ્રેનોની સ્પીડ ઘટી જતાં પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે પણ પરિસ્થિતિમાં ખાસ કંઈ સુધારો જોવા ન મળ્યો હોઈ પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. પરિણામે પોતાના નિર્ધારિત સ્થળે સમયસર પહોંચવા માટે પ્રવાસીઓએ વહેલા નીકળીને પોતાનું ટ્રાવેલ પ્લાન કરવું જોઈએ એવો મત પણ વ્યક્ત કરાઈ રહ્યો છે.

ચોમાસા દરમિયાન પણ અનેક વખત રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે મધ્ય રેલવે પર ટ્રેનવ્યવહાર ખોરવાતો જ રહે છે. આ બધા વચ્ચે હવે કોઈ વખત સિગ્નલ ફેઈલ્યોર તો કોઈ વખત પોઈન્ટ ફેઈલ્યોર જેવા ટેક્નિકલ કારણોસર પણ ટ્રેન વ્યવહાર ખોરવાતા પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વિસ્તારથી વાત કરીએ તો સીએસએમટી ખાતે નવી ઈલેકટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ બેસાડવામાં આવી છે અને એના આધારે જ ટ્રેનો દોડાવવામાં આવે છે. આ નવી સિસ્ટમ બેસાડવામાં આવી હોવા છતાં પણ દરરોજ વિવિધ કારણોનુસર ટ્રેન વ્યવહાર ખોરવાતા, ટ્રેનો મોડી કે રદ કરવામાં આવતા પ્રવસીઓ દ્વારા સંતાપ વ્યક્ત કરાઈ રહ્યો છે. પરિણામે હવે ચોમાસું માથે આવી ઊભું હોઈ રેલવે પ્રવાસીઓની આ સમસ્યા પર શું ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!