મોદી 3.0: કેબિનેટમાં કોને મળી કઈ જવાબદારી? આ મહત્ત્વના ખાતા ભાજપે પોતાની પાસે જ રાખ્યા…
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election Result-2024)ના પરિણામો ચોથી જૂને જાહેર થયા અને રવિવારે નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન દ્વારા સરકાર બનાવવામાં આવી. વડા પ્રધાનના પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ શપથ લીધાના 24 કલાક બાદ જ આજે યોજાયેલી કેબિનેટ મિનિસ્ટ્રીની પહેલી મીટિંગમાં જ પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી હતી.
અહીંયા તમારી જાણકારી માટે કે મોદી 3.0માં વડા પ્રધાન મોદી સહિત 71 પ્રધાનોએ ગઈકાલે શપથ લીધા હતા, જેમાં 30 કેબિનેટ મિનિસ્ટર સહિત પાંચ સ્વતંત્ર હવાલા અને 36 રાજ્ય કક્ષાના પ્રધાનનો સમાવેશ થાય છે. મોદી કેબિનેટની પહેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય જેવા મહત્વના ખાતા પોતાના હાથમાં જ રાખ્યા છે.
પીએમ મોદીની કેબિનેટમાં અમિત શાહને ફરી એક વખત ગૃહ મંત્રાલય, રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય, નીતિન ગડકરીને રોડ પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે વિદેશ ખાતાના પ્રધાન તરીકે એસ. જયશંકરને બીજી વખત પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત અજય ટમ્ટા, હર્ષ મલ્હોત્રાને રોડ પરિવહનના રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.
દરમિયાન રામવિલાસ પાસવાનની પાર્ટી એલજીપીના પ્રમુખ અને મોદી કા હનુમાન તરીકે પ્રખ્યાત ચિરાગ પાસવાનને રમતગમત ખાતાના પ્રધાન બનાવવામાં આવ્યા છે. હરિયાણાના ભૂતપૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને બે ખાતા સોંપવામાં આવ્યા છે જેમાં આવાસ અને ઊર્જા મંત્રાલયનો સમાવેશ થાય છે. શ્રીપદ નાઈક ઊર્જા રાજ્યમંત્રી બનાવ્યા છે. તોખમ સાહુને હોમ રાજ્ય કક્ષાના પ્રધાન હશે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પંચાયત અને ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન બનાવ્યા છે, જ્યારે અશ્વિની વૈષ્ણવને રેલવે અને આઈટી મંત્રાલય સોંપ્યું છે.
પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટ મિનિસ્ટ્રીની બેઠકમાં જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, નીતિન ગડકરી, નિર્મલા સિતારમણ, લલન સિંહ જીતન રામ માંઝી, શિવરાજ સિંહ ચૌહાણ, ચિરાગ પાસવાન, ગિરિરાજ સિંહ સહિતના મોટા માથાઓ હાજર રહ્યા હતા.
