Killer Heat Wave: વારાણસીમાં ફરી મૃતદેહોની લાગી કતારો….
વારાણસીઃ મે મહિનાની વિદાય પછી જૂન મહિનાની સવારી આવી પહોંચી છે ત્યારે ભયંકર ગરમી વચ્ચે હવે ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ હોટ સ્ટેટ ઉત્તર પ્રદેશ, બિહાર સહિત રાજસ્થાન વગેરે રાજ્યોમાં વિકટ સ્થિતિ ઊભી કરી છે. આખા દેશમાં સૌથી વધુ હીટ સ્ટ્રોકના ભોગ બન્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધતા પ્રશાસન હરકતમાં આવી ગયું છે. બીજી બાજુ વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર પરિસ્થિતિ વિકટ બની રહી છે, જ્યાં મૃતકોની સંખ્યામાં વધારાને લઈને રોજ લોકોને અંતિમવિધિ માટે અનેક દિવસો સુધી રાહ જોવાની નોબત આવી છે. પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે કે મૃતદેહની અંતિમવિધિ માટે લોકો પરેશાન થઈ ગયા છે. ઉત્તર પ્રદેશ જ નહીં, રાજસ્થાન સહિત ગુજરાતના અમુક શહેરોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વિવિધ મીડિયા રિપોર્ટના દાવા અનુસાર વારાણસીના પ્રાચીન સ્મશાન ઘાટ મણિકર્ણિકા મૃતદેહોની લાઈન લાગી ગઈ છે, જ્યારે એનું કારણ કહેવાય છે કે ગરમીના કારણે લોકોના થઈ રહેલા મૃત્યુ જવાબદાર છે. મણિકર્ણિકા ઘાટ પર 30 મેના ગુરુવારે અંતિમ સંસ્કાર માટે આવેલા મૃતદેહની સંખ્યા અચાનક વધી ગઈ હતી. ઘાટ પર 400થી વધુ મૃતદેહ લાવવામાં આવ્યા હતા, જે સામાન્ય દિવસોની તુલનામા ત્રણ ગણા વધારે હતા. સંખ્યામાં વધારાની સાથે આસપાસના વિસ્તારમાં વાહનોનો ટ્રાફિક જામ પણ લાગ્યો હતો.
ગરમીને કારણે મૃતકની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. ગુરુવારના મધરાતના મૈદાગિનથી સ્મશાન ઘાટ સુધી લાઈન લાગી હતી. મૃતદેહની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે એકના ઉપર બીજા મૃતદેહને રાખવામાં આવ્યા હતા.
એક અહેવાલ અનુસાર 24મી મેના 147 મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ 25મી મેના 161, 26મી મેના 159, 27મી મેના 88, 29મી મેના 169 અને 30મી 400થી વધુ મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોમાં મણિકર્ણિકા ઘાટ પર 25થી 30 મૃતદેહને લાવવામાં આવે છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે અંતિમસંસ્કાર માટે લોકોને પાંચ-સાત કલાક સુધી રાહ જોવી પડે છે.
ઉત્તર ભારતમાં ભીષણ ગરમીને કારણે અલગ અલગ રાજ્યમાં રોજ 40થી વધુ લોકોના મોત થાય છે, જ્યારે મૃતકોમાં તો લોકસભાની ચૂંટણીમાં તહેનાત 25 કર્મચારીનો સમાવેશ થાય છે. ગયા ગુરુવારે જ ઓડિશામાં 10, બિહારમાં આઠ, ઝારખંડમમાં ચાર અને ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગરમીના પ્રકોપની સાથે તમામ રાજ્યોમાં પાણીનું સંકટ ઊભું થઈ રહ્યું છે. વિવિધ રાજ્યોમાં ગરમીના પ્રકોપને કારણે 1,500થી વધુ લોકોએ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે.
