નોએડાની બહુમાળી ઇમારતમાં એસી બ્લાસ્ટ, અનેક ફ્લેટ આગની ચપેટમાં
એસીમાં બ્લાસ્ટ કે શોર્ટ-સર્કિટ નિવારવા શું કરશો એ પણ જાણી લો
નવી દિલ્હીઃ દિલ્હી હોય કે રાજકોટ કે પછી મુંબઈ પણ ઉનાળામાં ગરમીમાં વધારા સાથે વીજળીના વપરાશમાં વધારો થાય છે. વીજળીમાં સૌથી વધુ પંખાની સાથે એસી (એર કન્ડિશન)ના વપરાશમાં જોરદાર વધારો થાય છે, તેમાંય વળી આગ કે શોર્ટ-સર્કિટના બનાવમાં વધારો થાય છે. નોએડાની એક સોસાયટીની બહુમાળી ઈમારતમાં આગ લાગવાનો બનાવ બન્યો. ઈમારતમાં એસીમાં બ્લાસ્ટ થયા પછી અનેક ફ્લેટ આગની લપેટમાં આવી ગયા હતા.
નોએડાના સેક્ટર 100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. એસીમાં વિસ્ફોટ પછી આસપાસના વિસ્તારોમાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના રહેવાસીઓ પોતાના ફ્લેટ છોડીને ગ્રાઉન્ડ ફ્લોરની બહાર નીકળી ગયા હતા. એસીમાં વિસ્ફોટ પછી અન્ય ફ્લેટમાં પણ આગ લાગી હતી. હાલમાં આગ પર નિયંત્રણ માટે પ્રયાસ ચાલુ છે, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. આ અગાઉ બુધવારે પણ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમના એક ફ્લેટમાં એસીમાં આગ લાગ્યા પછી વિસ્ફોટ થયો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી.
એસીમાં વિસ્ફોટ કઈ રીતે થાય છે
જો તમારા મનમાં એમ થાય કે એસીમાં વિસ્ફોટ કઈ રીતે થાય છે તો એસીમાં વ્યવસ્થિત રીતે સફાઈ થવી જોઈએ. તૂટેલા કેબલનો ઉપયોગ થયેલો હોય તો કાઢી નાખવા જોઈએ. વોલ્ટેજમાં વધઘટ થતી હોવાથી તેમ જ ગેસનો ઉપયોગ પણ બરાબર થવો જોઈએ. એસીમાં કચરો જામતો હોય તો પણ તેનું ધ્યાન રાખો. સમયાંતરે કચરાને કાઢી નાખો. જો સતત એસી ચલાવવામાં આવે તો પણ વિસ્ફોટ થવાની શક્યતા રહે છે. થોડા થોડા અંતરે પણ એસીને બંધ રાખીને ગરમીના દિવસોમાં ઠંડુ રાખવું પણ જરુરી રહે છે. એસીના વાયરિંગને પણ સમાયંતરે ચકાસતો રહો. એસીના વાયર, પ્લગ, સોકેટ અને સર્કિટ બ્રેકરને પણ ચકાસી લેવા. પાવરમાં વધ-ઘટ થતી હોય તો પણ આગ લાગી શકે છે. એસીમાં નિયમિત રીતે સફાઈ થવી જોઈએ, જેથી બિનજરુરી વધુ બોજ આવે નહીં.
