February 19, 2026
ગુજરાતટોપ ન્યુઝ

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગઃ બાળકો સહિત 24 જણનાં મોત

Spread the love

રાજકોટઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીના અહેવાલો વચ્ચે શહેરમાં મોટી આગને કારણે જાનહાનિના સમાચાર છે. રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભીષણ આગ લાગી ગઈ છે, જેમાં લગભગ 24 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ પણ બાળકો સહિત અન્ય લોકો ફસાયેલા છે, જ્યારે બચાવ કામગીરી ચાલુ છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે.
રાજકોટ સ્થિત ટીઆરપી ઝોનમાં આગ લાગ્યા પછી સમગ્ર પરિસર બળીને ખાખ થઈ ગયો છે. આગ કઈ રીતે લાગી એનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ફાયર બ્રિગેડ સહિત અન્ય એજન્સીના જવાનોને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવ્યા છે.
આગના બનાવમાં સૌથી વધુ બાળકો ભોગ બન્યા છે. વેકેશનના કારણે મોટી સંખ્યામાં લોકો ગેમિંગ ઝોનમાં હાજર હતા. મૃતક અને ઘાયલોની સંખ્યા હાલમાં જાણી શકાઈ નથી, એમ રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.


આગ લાગ્યા પછી આગને નિયંત્રણ માટે ફાયર બ્રિગેડની આઠ ગાડી રવાના કરવામાં આવી છે. બચાવ કામગીરીમાં મૃતકોને બહાર કાઢવાની પણ કામગીરી ચાલુ છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારી આઈ. વી. ખેરે જણાવ્યું હતું કે આગને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ ચાલુ છે. આગ ભીષણ હોવાથી સમગ્ર પરિસરને વધુ નુકસાન થયું છે, જ્યારે પવન વધારે હોવાથી આગ ઝડપથી વધુ ફેલાઈ હતી.
બીજી બાજુ રાજકોટ પોલીસ દ્વારા ગેમિંગ ઝોનના માલિકની ધરપકડ કરી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું કે ગેમિંગ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી નામની વ્યક્તિની છે. ગેમિંગ ઝોનમાં બેદરકારી દાખવવા મુદ્દે ઝોનના માલિક સામે ગુનો નોંધવામાં આશે. દરમિયાન આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું.


આ મુદ્દે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે રાજકોટમાં ભીષણ આગના અહેવાલ બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી તાકીદે હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, ઘાયલોને સારવાર આપવાની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!