એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગતા ઈમર્જન્સી લેન્ડિંગ, સપ્તાહમાં બીજો અકસ્માત
બેંગલુરુઃ અહીંના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર શનિવારે રાતે અચાનક ઈમર્જન્સી જાહેર કરી હતી. કોચી જનારી એર ઇન્ડિયા એક્સપ્રેસના એન્જનિમાં આગ લાગી હતી. વિમાનમાં 185 લોકો સવાર હતા, જેમાં 179 પ્રવાસી અને છ ક્રૂ હતા. પુણે પછી બેંગલુરુમાં ફ્લાઈટ મોટી હોનારતમાંથી બચતા એવિયેશન ક્ષેત્રે અઠવાડિયામાં બીજી મોટી જાનહાનિ ટળી ગઈ છે.
બેંગલુરુ એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું કે ફ્લાઈટ IX 1132 ના એક એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ હતી. એના અંગેની જાણ રાતના 11.12 વાગ્યાના સુમારે કરવામાં આવ્યા પછી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, ત્યારબાદ તાત્કાલિક ફૂલ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. એરપોર્ટના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફ્લાઈટ લેન્ડિંગ કર્યાં પછી આગને નિયંત્રણમાં લાવ્યા આવ્યા હતા.
એના અગાઉ ફ્લાઈટમાંથી છ ક્રૂ સહિત 179 પ્રવાસીની સફળતાપૂર્વક બહાર લાવવામાં આવ્યા હતા. અહીં એ જણાવવાનું કે બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL) દેશનું ત્રીજું સૌથી વ્યસ્ત કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે ફ્લાઈટના એન્જિનમાં આગ લાગ્યાની જાણ થયા પછી પાયલટે તાત્કાલિક ફ્લાઈટને બેંગલુરુ પરત ફરવાનો નિર્ણય લીધો હતો, ત્યાર બાદ ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું. ગ્રાઉન્ડ સ્ટાફની મદદથી ફ્લાઈટમાંથી પ્રવાસીને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અંગે એર ઈન્ડિયાએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે અચાનક કરવામાં આવેલા ઈમર્જન્સી લેન્ડિંગથી પ્રવાસીઓને પડેલી મુશ્કેલી અંગે દિલગીર છીએ, પરંતુ પાયલટની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે. આ અંગે એવિયેશન નિયામક ડીજીસીએ દ્વારા તપાસ કરવામાં આવશે.
ગયા ગુરુવારે પુણેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ રન-વે પર ફ્લાય કરવાની હતી ત્યારે ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી, જેમાં 180 પ્રવાસી હતા. જોકે, એ અકસ્માતથી કોઈ જાનહાનિ થઈ નહોતી. અઠવાડિયામાં એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ મોટા અકસ્માતમાંથી બચી ગયું છે.
