મોંઘવારીનો માર: શું ડિસેમ્બરમાં તમારા ઈએમઆઈનો બોજ વધારશે RBI?
મોંઘવારી બેકાબૂ બનતા આગામી મોનિટરી પોલિસી બેઠકમાં રિઝર્વ બેંક વ્યાજદરમાં વધારો કરી શકે છે, જે સામાન્ય જનતાના ખિસ્સા પર સીધી અસર કરશે
આગામી મહિના દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની બેઠક યોજવામાં આવશે. આ બેઠક પહેલા મોંઘવારીના આંકડા પણ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે, જેમાં અત્યારે ફુગાવો વધી રહ્યો છે, જે આગામી દિવસોમાં પણ વધારો થઈ શકે છે, તેથી આરબીઆઈ પણ વ્યાજદરમાં વધારો કરે તો નવાઈ નહીં.
મોંઘવારીમાં વધારા સાથે વ્યાજદરમાં વધારો કરવાથી આમ જનતાના ખિસ્સા પર પણ ભારણ વધી શકે છે. શાકભાજીના ભાવમાં વધારા સાથે કાંદાના ભાવમાં ડબલ વધારો થયો છે. વધતી મોંઘવારીને કારણે આરબીઆઈ પણ સતર્કતાના ભાગરુપે હવે વ્યાજદર મુદ્દે સખત પગલું ભરી શકે છે, જેમાં હોમ લોન અને બીજા અન્ય ઈએમઆઈમાં પણ વધારો કરી શકે છે.
ઓક્ટોબરના મોંઘવારીના દરના આંકડા બારમી નવેમ્બરના રજૂ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં વાર્ષિક દર 5.54 ટકા હતો, જ્યારે બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોનું માનવું છે કે ઓક્ટોબરમાં છ ટકા સુધી વધારો થઈ શકે છે. મોંઘવારીને લઈ સૌથી ચિંતાનું કારણ બન્યું છે. ડિસેમ્બરની મોનિટરી પોલિસીની બેઠકમાં વ્યાજદર વધારી શકે છે. રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો ઓક્ટોબરમાં કરવામાં આવ્યો હતો, જ્યારે અત્યારે રેટ 5.50 ટકા છે. મોંઘવારી દર છ ટકાની આસપાસ અથા એની ઉપર છે, તેથી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ ફરી 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.
બેંક ઓફ બરોડના રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં 20 જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં વાર્ષિક દરે 11.1 ટકાનો વધારો થયો હતો, જેમાં પંદર વસ્તુનો મોંઘવારી દર વધ્યો છે. નવેમ્બરના શરુઆતના આઠ દિવસમાં ભાવમાં પણ 11.2 ટકાનો વધારો થયો છે, જ્યારે કાંદાના ભાવમાં બેવડો વધારો થયો છે. ઓક્ટોબરના ભાવમાં ગયા વર્ષ કરતા 99 ટકા વધારો થયો છે. એના સિવાય ચોખા, દાળ, દૂધ, ગોળ અને તેલના ભાવમાં વધારો થયો છે. ટામેટાના ભાવ વાર્ષિકદરે છ ટકા વધારો થયો છે, જ્યારે ઓક્ટોબરમાં સાકરના ભાવ ગયા મહિનાની તુલનામાં સાડા ચાર ટકા ઘટાડો થયો છે.
અલ નીનોએ આ વખતે સૌથી વધુ ભાગ ભજવ્યો છે. મોંઘવારીમાં વધારા માટે પણ હવામાનનું ફેક્ટર જવાબદાર છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશના અનેક હિસ્સા, તેલંગણા અને રાજસ્થાનમાં પડેલા ઓછા વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારથી ચિંતાનું કારણ છે. આ બધા રાજ્ય ટામેટાના ઉત્પાદક છે, જ્યાંથી પુરવઠામાં પણ ઘાટો થયો છે. બીજી નવેમ્બર સુધીમાં દેશના જળાશયોમાં પાણીનું સ્તર ગયા વર્ષની તુલનાએ ઘટ્યું છે. રવિ પાક અને ઉત્પાદન પર અસર થઈ છે. વૈશ્વકિ હવામાન સંગઠનના નવેમ્બરના રિપોર્ટ અનુસાર અલ નીનોની અસર તાપમાનમાં વધારા સાથે ખેતી પર પણ અસર પડશે.
