તમારા એક જ ઈયરબડમાંથી કેમ આવે છે ધીમો અવાજ? નવું ખરીદતા પહેલા જાણી લો આ 5 જાદુઈ ટ્રિક્સ!
નવો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી! માત્ર આ નાની સેટિંગ્સ બદલીને તમારા ઈયરબડના અવાજને મસ્ત અને સરખો બનાવો
સંગીત સાંભળતી વખતે કે ફોન પર વાત કરતી વખતે ઘણીવાર એક ઈયરબડમાં બરાબર અવાજ આવે છે પણ બીજામાંથી અવાજ સાવ ધીમો થઈ જાય છે. મોટાભાગના લોકો ઈયરબડ ખરાબ થઈ ગયું માનીને નવું ખરીદવાનો વિચાર કરી લે છે. જોકે, દર વખતે હાર્ડવેર ખરાબ હોતું નથી; ઘણીવાર મોબાઈલના સેટિંગ્સ કે નાની ટેકનિકલ ખામીને કારણે આ સમસ્યા થાય છે. નવો ખર્ચ કરતાં પહેલાં આ સરળ ટિપ્સ અજમાવી જુઓ…
ઓડિયો બેલેન્સ સ્લાઈડર ચેક કરો
ઘણીવાર ફોનમાં ડાબી (Left) અને જમણી (Right) બાજુના ઓડિયોનું બેલેન્સ આપમેળે કે ભૂલથી બદલાઈ જાય છે. આ માટે તમારે મોબાઈલના Settingsમાં જઈને Accessibility કે પછી Sound & Vibration) ઓપ્શન ઓપન કરો> Hearing / Audio Balanceમાં જઈને જુઓ. જો સ્લાઈડર વચ્ચે ન હોય, તો તેને બરાબર સેન્ટરમાં (વચ્ચે) લાવી દો. બંને ઈયરબડમાં સરખો અવાજ આવવા લાગશે.
સ્પીકરની જાળી પરની ધૂળ અને મેલ સાફ કરો
નિયમિત ઉપયોગને કારણે ઈયરબડના સ્પીકર મેશ (જાળી) પર કાનનો મેલ (Earwax) અને ધૂળ જામી જાય છે, જે અવાજને અવરોધે છે. કઈ રીતે સાફ કરશો એની વાત કરીએ તો આ માટે તમારે નરમ અને સૂકા બ્રશ જેમ કે સોફ્ટ ટૂથબ્રશ અથવા સૂકા સુતરાઉ કાપડથી હળવા હાથે જાળી સાફ કરો. સોય, ટાંકણી કે તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો, તેમજ પાણી કે લિક્વિડ સીધું ન છાંટવું.
બ્લૂટૂથ અનપેયર કરીને ફરી કનેક્ટ કરો
* ફોનનું બ્લૂટૂથ બંધ કરીને ફરી ચાલુ કરો.
* જો સમસ્યા યથાવત રહે, તો Bluetooth Settingsમાં જઈને ઈયરબડ્સને ‘Unpair’ અથવા ‘Forget Device’ કરો અને ફરીથી નવેસરથી પેર કરો.
બેટરી અને ચાર્જિંગ કેસ તપાસો
જો કોઈ એક ઈયરબડમાં બેટરી ઘણી ઓછી હોય, તો તેનું કનેક્શન નબળું પડે છે અથવા અવાજ ઘટી જાય છે. બંને ઈયરબડ્સને ચાર્જિંગ કેસમાં યોગ્ય રીતે મૂકીને સંપૂર્ણ ચાર્જ થવા દો અને ચાર્જિંગ પોઈન્ટ્સ સાફ છે કે નહીં તે પણ ચકાસો.
બીજા ફોનમાં કનેક્ટ કરીને ફોલ્ટ પકડો
જો ઉપર જણાવેલા તમામ ઉપાયો કર્યા પછી પણ એક ઈયરબડ ધીમું વાગતું હોય, તો તેને કોઈ અન્ય સ્માર્ટફોન કે લેપટોપ સાથે કનેક્ટ કરીને ચેક કરો. જો બીજા ડિવાઈસમાં અવાજ યોગ્ય આવે, તો ખામી તમારા ફોનના ઓડિયો સેટિંગ્સમાં છે. જો બીજા ફોનમાં પણ એક જ ઈયરબડ ધીમું સંભળાય, તો જ ઈયરબડના હાર્ડવેરમાં ખામી હોવાની શક્યતા રહે છે.
