October 5, 2026
લાઈફ સ્ટાઈલ

મગજમાંથી કડવી યાદો કાયમ માટે ભૂંસાશે? ન્યુરોસાયન્સની ક્રાંતિથી બ્રેકઅપનું દર્દ થશે ગાયબ!

Spread the love

જીવનમાં બનેલી કોઈ ભયાનક દુર્ઘટના, બ્રેકઅપનું અસહ્ય દર્દ કે શરમજનક ક્ષણ—જેને યાદ કરતાં જ આજે પણ હૃદયના ધબકારા વધી જાય છે, તેને મગજમાંથી કાયમ માટે કમ્પ્યુટર ફાઇલની જેમ ‘ડિલીટ’ કરી દેવાની કલ્પના અત્યાર સુધી માત્ર હોલીવૂડની સાયન્સ-ફિક્શન ફિલ્મો પૂરતી મર્યાદિત લાગતી હતી. પરંતુ ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં થયેલા એક ઐતિહાસિક સંશોધને આ કલ્પનાને વાસ્તવિકતામાં બદલવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.

વૈજ્ઞાનિકો હવે માનવીય સ્મૃતિને માત્ર સમજવા પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ મગજના ચોક્કસ ન્યુરોન્સમાં ફેરફાર કરીને ખરાબ યાદોને ભૂંસી નાખવા અને તેમની પીડાદાયક અસરને તટસ્થ કરવામાં આશ્ચર્યજનક સફળતા મેળવી ચૂક્યા છે.

મગજમાં ક્યાં સચવાય છે યાદો? ‘ઇનગ્રામ’નું રહસ્ય: બોસ્ટન યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર બ્રેઈન એન્ડ મેમરી’ના એસોસિએટ પ્રોફેસર સ્ટીવ રામિરેઝના પુસ્તક ‘હાઉ ટુ ચેન્જ અ મેમરી’ અનુસાર, આપણે જ્યારે પણ કોઈ તીવ્ર અનુભવ કે આઘાતમાંથી પસાર થઈએ છીએ, ત્યારે મગજના કોષોમાં તેની એક ભૌતિક છાપ અંકિત થાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘ઈનગ્રામ’ કહેવામાં આવે છે. પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકોએ ન્યુરોન્સના સ્તરે ચોક્કસ ફેરફારો કરીને કડવી યાદોને નિષ્ક્રિય કરવામાં, નવી યાદો જોડવામાં અને જૂની સ્મૃતિઓને ફરી રીરાઇટ કરવામાં મોટી સફળતા મેળવી છે.

ઓપ્ટોજેનેટિક્સ અને લેઝર લાઇટ વડે સફળ પ્રયોગ: યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોએ ઉંદરો પર અત્યાધુનિક ઓપ્ટોજેનેટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. મગજના ભાવનાત્મક કેન્દ્ર સમાન ‘એમિગ્ડાલા’ અને યાદોના સ્ટોરેજ એવા ‘હિપ્પોકેમ્પસ’માં ચોક્કસ લેઝર લાઇટ ફેંકીને તે ન્યુરોન્સને શોધી કાઢવામાં આવ્યા હતા જે ભય અને પીડા સાથે જોડાયેલા હતા. લેઝર લાઇટના ચોક્કસ કિરણો વડે ભયાનક યાદોને સાચવી રાખતા ખાસ કોષોને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા, જેનાથી ઉંદરો અગાઉ જે સ્થિતિથી ડરતા હતા તે ડર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો.

શું માણસોનું મગજ ખોલીને યાદો ભૂંસાશે?
સર્જરી વિના ઉકેલ: વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે મનુષ્યોમાં યાદો ભૂંસવા માટે કોઈ સર્જરી કે મગજ ખોલવાની જરૂર નહીં પડે. એડવાન્સ થેરાપી અને લેંગ્વેજ મોડ્યુલેશન: માનવીય મગજ માટે ખાસ પ્રકારની નોન-ઇન્વેસિવ ન્યુરોલોજીકલ થેરાપી વિકસાવવામાં આવી રહી છે. તેનાથી ઘટનાની સામાન્ય માહિતી મગજમાં સચવાઈ રહેશે (દા.ત. અકસ્માત થયો હતો તે યાદ રહેશે), પરંતુ તેની સાથે જોડાયેલો ધ્રુજારી ઉપજાવતો આઘાત, દર્દ અને ભય કાયમ માટે ગાયબ થઈ જશે.

PTSD અને ડિપ્રેશનના દર્દીઓ માટે સંજીવની: આ સંશોધન કોઈ સામાન્ય મેમરી રમત નથી, પરંતુ વર્ષોથી PTSD (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર), ગંભીર ડિપ્રેશન, પેનિક એટેક અને માનસિક આઘાત સામે લડી રહેલા કરોડો દર્દીઓ માટે આશાનું નવું કિરણ છે. ટેકનોલોજીનો મુખ્ય હેતુ માનવીય વ્યક્તિત્વને નુકસાન પહોંચાડ્યા વિના, જીવલેણ માનસિક તણાવમાંથી વ્યક્તિને કાયમી મુક્તિ અપાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!