શું ભારતમાં પણ લોકો એકલતા દૂર કરવા માટે ખરીદશે ‘સાથ’? ચીનનો આ ટ્રેન્ડ ભારતમાં બની શકે છે મોટી સમસ્યા…
છેલ્લાં કેટલાક સમયથી પડોશી દેશ ચીનમાં શરૂ થયેલા ‘કમ્પેનિયનશિપ ઈકોનોમી’ના ટ્રેન્ડે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. જ્યાં લોકો પોતાનો એકલવાયો સમય દૂર કરવા માટે અજાણ્યા લોકોને ભાડે રાખે છે. પણ સવાલ એ છે કે, શું આ ટ્રેન્ડ ભારતમાં પણ આવી શકે છે? અને ભારતના આજના યુવાનો માટે એકલતા કેટલી ગંભીર સમસ્યા છે? ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં…
ભારતમાં એકલતા: શું આપણે પણ ‘કમ્પેનિયનશિપ’ ખરીદવા તરફ જઈ રહ્યા છીએ?
ભારતમાં પણ ઝડપથી બદલાતી જીવનશૈલી, શહેરીકરણ અને ન્યુક્લિયર ફેમિલી કોન્સેપ્ટને કારણે એકલતા એ ધીકે ધીરે એક સાયલન્ટ એપિડેમિક બનતી જઈ રહી છે. ચીનની જેમ ભારતમાં પણ યુવાનો હવે ડિજિટલ દુનિયામાં વ્યસ્ત છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ વધુને વધુ એકલતા અનુભવી રહ્યા છે.
ભારતમાં આ સમસ્યા કેટલી ગંભીર છે?
પારિવારિક માળખું બદલાયું: ભારતમાં હવે મોટા ભાગના યુવાનો નોકરી કે શિક્ષણ માટે પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર શહેરોમાં એકલા રહે છે. જૂની સંયુક્ત પરિવારની વ્યવસ્થા તૂટવાને કારણે ઘરમાં વડીલો પાસે કે યુવાનો પાસે કોઈ ‘સાંભળનાર’ નથી હોતું.
ડિજિટલ કનેક્શન પણ ભાવનાત્મક અંતર: સોશિયલ મીડિયા પર હજારો મિત્રો હોવા છતાં, મનની વાત કહેવા માટે એક પણ સગ્ગો કે પોતાનું કહી શકાય માણસ ન હોવો એ આજની પેઢીની મોટી દુખતી રગ છે.
માનસિક દબાણ: કોર્પોરેટ જગતની રેસ અને સ્પર્ધાને કારણે યુવાનો ડિપ્રેશન અને એન્ઝાયટીનો ભોગ બની રહ્યા છે. ચીનની જેમ ભારતમાં પણ હવે અજાણ્યા લોકો સાથે વાત કરવી કે ‘પ્રોફેશનલ લિસનર’ (સાંભળનાર) રાખવાનો વિચાર વિચિત્ર લાગતો નથી.
ભારત પર શું અસર થઈ શકે છે?
જો ભારતમાં ‘કમ્પેનિયનશિપ ઇકોનોમી’ આવે તો તે માત્ર એક વ્યવસાય નહીં પણ જરૂરિયાત બની શકે છે. ચીનની જેમ ભારતમાં પણ ગિગ વર્કર્સની સંખ્યા લાખોમાં છે. બેરોજગારી અને કામની શોધમાં રહેલા યુવાનો આ રીતે પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કરી શકે છે. જો પોતિકાપણું વેચવાની વસ્તુ બની જાય, તો માનવીય સંબંધોની મૌલિકતા અને સંવેદનાઓ જોખમમાં મુકાઈ શકે છે. એક બાજુ, જેમને કોઈ સાંભળનાર નથી તેમના માટે આ આશીર્વાદરૂપ બની શકે છે, પરંતુ બીજી તરફ, અજાણ્યા વ્યક્તિ સાથે જોડાયેલા રહેવાથી સુરક્ષાના જોખમો પણ વધી શકે છે.
એક્સપર્ટ્સ શું કહે છે આ વિશે…
મનોવૈજ્ઞાનિકો માને છે કે માનવ મન કુદરતી રીતે જ સામાજિક છે. જ્યારે આપણે સંબંધો માટે પૈસા ચૂકવવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તે સાબિત કરે છે કે સમાજમાં ‘કનેક્શન’ ની અછત વર્તાઈ રહી છે. ચીનની આ સમસ્યા આપણને ચેતવણી આપે છે કે આપણે આપણી આસપાસના લોકો સાથેના સંબંધોને ફરીથી જીવંત કરવાની જરૂર છે.
ટૂંકમાં કહેવાનું થાય તો પડોશી દેશ ચીનનું આ મોડેલ ભારત માટે એક અરીસો છે. ભારતમાં એકલતા હજુ ‘બિઝનેસ’ નથી બની, પરંતુ જો આપણે પરિવાર અને મિત્રો વચ્ચેનો સમય ફાળવવાનું નહીં શીખીએ, તો ભવિષ્યમાં ભારતીય યુવાનો પણ પોતાનો એકલવતાને સમય દૂર કરવા માટે કોઈ અજાણ્યા વ્યક્તિને પૈસા ચૂકવવા મજબૂર બનશે.
