July 5, 2026
ટોપ ન્યુઝ

વરસાદી આફત: મુંબઈમાં 10નાં મોત, ગુજરાતની નદીઓમાં પૂર, ગીરમાંથી ૨૫૦ લોકોનું રેસ્ક્યૂ

Spread the love


દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે, પરંતુ જયાં પડ્યો નથી, ત્યાં પાણીની તંગી ઊભી થયેલી છે, જ્યારે અનેક રાજ્યોમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને જમ્મુ કાશ્મીર દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર થઈ રહી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે, જ્યારે સ્થાનિક વસાહતો પણ જળબંબાકાર બન્યા છે, જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં તો વૃક્ષ અને બિલ્ડિંગ ધરાશયી થવાની ઘટનામાં મોટી જાનહાનિ થઈ છે.

મુંબઈમાં વરસાદ સંબંધી દુર્ઘટનામાં 10 મોત
આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં એક જ અઠવાડિયામાં વૃક્ષ ધરાશયી થવાની ઘટનામાં ત્રણેક લોકોનાં મોત થયા છે, જ્યારે બિલ્ડિંગ ધરાશયી ઘટનામાં છ લોકોનાં મોત થયા છે, પરિણામે મુંબઈમાં નાળા સફાઈને લઈ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. રેકોર્ડ બ્રેક વરસાદ વચ્ચે મુંબઈની લાફઈલાઈન પર જાજી અસર જોવા મળી નથી. આમ છતાં મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે એકંદરે જનજીવન પર અસર થઈ છે. વસઈ, વિરાર, કલ્યાણ-ડોંબિવલીમાં અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકો મુશ્કેલીમાં મૂકાય હતા.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નદીનાળામાં પૂર આવ્યા છે. દરિયાકિનારાના લોકોને સાગર નહીં ખેડવાની અપીલ કરી છે, જ્યારે અનેક વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે લોકોનું સ્થળાંતરણ કરવા માટે હોડીઓ બોલાવવી પડી છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ગાંગડા ગામે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવતા યુદ્ધના ધોરણે આશરે ૨૫૦ જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કર્યું હતું.

ગાંગડા ગામે રાતના આશરે ૧:૦૦ કલાકે ભારે વરસાદના કારણે ગામની નજીક આવેલ રૂપેણ નદીનો પાળો તૂટી ગયો હતો. આ પાળો તૂટવાના કારણે રૂપેણ નદીનું પાણી ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તથા ઊંટવાળા રોડ વિસ્તારમાં ઘૂસી ગયું હતું. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આશરે ૨૫૦ જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.

પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ તેમજ એસ.ડી.આર.એફની ટીમ દ્વારા સંયુકત રીતે ગાંગડા પ્રાથમિક શાળા તેમજ બાપાસિતારામ આશ્રમ ખાતે રેસક્યૂની કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ૧૧૫ જેટલા વ્યકતિઓને રહેવા, જમવા તેમજ સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ અન્ય લોકો પોતાના પરિવાર/કુંટુંબીજનોના ઘરે સુરક્ષિત રીતે શિફટ થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!