વિદેશ જનારાઓ માટે મહત્વના સમાચાર: પહેલી જુલાઈથી પાસપોર્ટ બનાવવો થશે મોંઘો, ફીમાં ઝીંકાયો તોતિંગ વધારો
નવી દિલ્હી / મુંબઈ: જો તમે આગામી દિવસોમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો અથવા નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી પહેલી જુલાઈ, 2026થી દેશમાં પાસપોર્ટ બનાવવો ઘણો મોંઘો થવા જઈ રહ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા પાસપોર્ટ નિયમ, 1980માં સુધારો કરીને નવી ફીનું માળખું જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા સુધારા મુજબ, સામાન્યથી લઈને તત્કાલ કેટેગરીના અલગ અલગ પાસપોર્ટની ફીમાં આશરે 65 ટકા સુધીનો વધારો ઝીંકી કરવામાં આવ્યો છે. જેને કારણે વિદેશ જનારા લોકોનું ગજવું હળવું થશે. ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી
36 પેજનો સામાન્ય પાસપોર્ટ: પહેલાં આ પાસપોર્ટ રૂપિયા 1,500 બનતો હતો, જેની ફી હવે વધીને રૂપિયા 2,500 થઈ જશે.
36 પેજનો તત્કાલ પાસપોર્ટ: ઈમરજન્સીમાં અપાતા આ પાસપોર્ટની ફી રૂપિયા 3,500થી વધારીને હવે રૂપિયા 5,000 કરવામાં આવી છે.
60 પેજનો સામાન્ય પાસપોર્ટ (જંબો બુકલેટ): વારંવાર વિદેશપ્રવાસ કરનારાઓ માટેના આ પાસપોર્ટની ફી રૂપિયા 2000 વધીને હવે રૂપિયા 3500 થશે.
60 પેજનો તત્કાલ પાસપોર્ટ: આ કેટેગરીમાં સૌથી વધુ વધારો થયો છે, જેની ફી રૂપિયા 4000થી વધીને હવે સીધી રૂપિયા 6000 જેટલો થઈ ગઈ છે.
14 વર્ષ બાદ લેવાયો આ નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પાસપોર્ટની ફીમાં આ વધારો ખાસા એવા લાંબા સમય બાદ કરવામાં આવ્યો છે. આ પહેલાં છેલ્લે વર્ષ 2012માં પાસપોર્ટના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો. એટલે કે પૂરા 14 વર્ષ બાદ પાસપોર્ટ બનાવવા માટેની ફીમાં વધારો થવા જઈ રહ્યો છે.
જોકે, સરકારે અમુક શ્રેણીઓ માટે 10 ટકા ડિસ્કાઉન્ટ યથાવત્ રાખ્યું છે. આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે નવી અરજીઓ પર આ 10 ટકા ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે. પાસપોર્ટ માટે અરજી કરનારા લોકોએ 1 જુલાઈ, 2026થી લાગુ પડતા નવા અને વધેલા દરો માટે બજેટ બનાવવું પડશે. જોકે, પુખ્ત વયના લોકોને જારી કરાયેલા પાસપોર્ટ પહેલાની જેમ 10 વર્ષ માટે માન્ય રહેશે. પાસપોર્ટના ખર્ચમાં વધારો કરવામાં આવ્યા પછી બાકીના ચાર દિવસ પાસપોર્ટ બનાવવા માટે લોકો મોટી સંખ્યામાં લાઈન લગાવી શકે છે.
