મહાસત્તાઓ પણ દેવામાં ડૂબી: વિશ્વના Top 10 દેવદાર દેશોમાં ભારત 8મા સ્થાને, જાણો કેટલું છે સરકારી દેવું?
IMFના તાજેતરના રિપોર્ટ અનુસાર અમેરિકા અને ચીન સૌથી વધુ દેવાદાર દેશો બન્યા; જાણો ભારત માટે આ આંકડો કેટલો છે ચિંતાજનક
વિશ્વના સૌથી શક્તિશાળી અને આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા દેશો પણ હાલ કરોડો-અબજો ડૉલરના ભયાનક દેવાના બોજ હેઠળ દબાયેલા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના તાજેતરના રિપોર્ટમાં જાહેર કરાયેલા વૈશ્વિક ડેટા મુજબ, વિશ્વના અનેક વિકસિત દેશો પણ પોતાની જીડીપી (GDP) ના પ્રમાણમાં ભારે કરજ હેઠળ જીવી રહ્યા છે. આ વૈશ્વિક રેન્કિંગમાં ભારત 3464 અબજ ડૉલરના સરકારી દેવા સાથે આઠમા ક્રમે આવે છે.
અમેરિકા અને ચીન સૌથી વધુ દેવાદાર દેશો
IMFના તાજેતરના આંકડા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ સરકારી દેવું ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. અમેરિકા પર આશરે 40,739 અબજ ડૉલરનું દેવું છે.
* પ્રથમ ક્રમ:અમેરિકા (40,739 અબજ ડૉલર)
* બીજો ક્રમ: ચીન (22,290 અબજ ડૉલર)
* ત્રીજો ક્રમ: જાપાન (8951 અબજ ડૉલર)
* ચોથો ક્રમ: બ્રિટન (4418 અબજ ડૉલર)
* પાંચમો ક્રમ: ફ્રાન્સ (4258 અબજ ડૉલર)
આ સિવાય લિસ્ટમાં છઠ્ઠા ક્રમે ઈટાલી (4347 અબજ ડૉલર), સાતમા ક્રમે જર્મની (3950 અબજ ડૉલર), નવમા ક્રમે કેનેડા (2480 અબજ ડૉલર) અને દસમા ક્રમે બ્રાઝિલ (2125 અબજ ડૉલર) આવે છે.
વૈશ્વિક ડેટા પર ભારત ક્યાં છે? શું ચિંતાનો વિષય છે?
ગ્લોબલ ડેટ રેન્કિંગમાં ભારત 3464 અબજ ડૉલરના સરકારી દેવા સાથે આઠમા ક્રમે છે. જોકે, નાણાકીય નિષ્ણાતોના મતે ભારતે આ આંકડાથી ગભરાવાની જરૂર નથી.
ભારતનો GDP ગ્રોથ રેટ મજબૂત છે અને દેશનું મોટા ભાગનું કરજ વિદેશી સંસ્થાઓ પાસેથી નહીં, પરંતુ સ્વદેશી સ્રોતોમાંથી મેળવાયેલું છે. જેના કારણે ભારત હાલ સુરક્ષિત સ્થિતિમાં માનવામાં આવે છે. પરંતુ વૈશ્વિક મંદીના આ સમયગાળામાં આ આંકડા પર સતત નજર રાખવી જરૂરી બની જાય છે.
સોવરેન ડિફોલ્ટ એટલે શું?
જ્યારે કોઈ દેશ વિદેશી દેવું કે તેનું વ્યાજ સમયસર ચૂકવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘સોવરેન ડિફોલ્ટ’ (નાદાર દેશ) ઘોષિત કરવામાં આવે છે.
ભૂતકાળમાં વર્ષ 2022માં શ્રીલંકા આવી જ રીતે આર્થિક રીતે કંગાળ થઈ ગયું હતું. આ સિવાય ગ્રીસ, આર્જેન્ટિના, લેબનાન અને ઝિમ્બાબ્વે જેવા દેશો પણ આર્થિક નાદારી નોંધાવી ચૂક્યા છે. દેશ નાદાર થવાથી ચલણનું મૂલ્ય ગગડી જાય છે, મોંઘવારી ચરમસીમાએ પહોંચે છે અને સરકારી સબસીડીઓ રદ કરવી પડે છે.
