October 21, 2026
ટોપ ન્યુઝહોમ

TRAI New Rules: OTP ફ્રોડ પર વાગશે બ્રેક, હવે સ્ક્રીન પર નહીં દેખાય મેસેજ; જાણો ટ્રાઈનો નવો નિયમ

Spread the love

OTP મેસેજના ફોર્મેટથી લઈને નોટિફિકેશન સુધીના નિયમો બદલાશે: સાયબર ઠગાઈ અને સ્કેમથી બચવા TRAI નું કડક પગલું

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન પર OTP (વન ટાઇમ પાસવર્ડ) આવતાં જ આખો મેસેજ વાંચ્યા વિના માત્ર સ્ક્રીનના ઉપરના નોટિફિકેશન બાર કે લૉક સ્ક્રીનમાંથી કોડ જોઈને સબમિટ કરવાની આપણી ઉતાવળ અને આળસ સાયબર ગઠિયાઓ માટે મોટું હથિયાર બની ગઈ છે. મોટાભાગના લોકો આવેલા મેસેજમાં લખેલી વિગત વાંચતા જ નથી કે આ OTP પૈસા કપાવા માટે છે, લોગિન માટે છે કે કોઈ ટ્રાન્ઝેક્શન માટે! આ જ બેદરકારીનો ફાયદો ઉઠાવીને દેશભરમાં હજારો કરોડની સાયબર ઠગાઈ આચરવામાં આવી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાઈ દ્વારા એક નવી સિસ્ટમ લાવવામાં આવી રહી છે, જેની મદદથી ફ્રોડની ઘટના પર નિયંત્રણ લાવી શકાશે…

દિવસે દિવસે સતત વધતા જતા ઓનલાઇન ફ્રોડ અને OTP સ્કેમ પર સંપૂર્ણ લગામ લગાવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) હવે OTP મોકલવાની આખી સિસ્ટમ અને મેસેજના ફોર્મેટમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ નવી સિસ્ટમને કારણે ઓનલાઈન ફ્રોડ પર લગામ તાણવામાં મદદ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.

હવે સ્ક્રીન પર નહીં દેખાય OTP નોટિફિકેશન
TRAI ની નવી માર્ગદર્શિકા હેઠળ, આગામી સમયમાં જ્યારે પણ તમારા ફોનમાં કોઈ OTP આવશે ત્યારે તે સીધો લૉક સ્ક્રીન પ્રિવ્યૂ કે નોટિફિકેશન પેનલ પર ફ્લેશ થશે નહીં. યુઝરે ફરજિયાતપણે પોતાના સ્માર્ટફોનની મેસેજિંગ એપ ઓપન કરવી પડશે અને અંદર જઈને જ આખો મેસેજ વાંચીને તે કોડ જોઈ શકશે. આ નિયમથી આસપાસ ઊભેલા લોકો ફોનમાં ડોકિયું કરીને OTP ચોરી નહીં કરી શકે. તેમજ AnyDesk કે TeamViewer જેવી સ્ક્રીન શેરિંગ એપ્સ દ્વારા યુઝરની લૉક સ્ક્રીન કે નોટિફિકેશન જોઈને ફ્રોડ કરતા સાયબર ગઠિયાઓ પર પણ સીધો બ્રેક લાગશે.

તમામ કંપનીઓ અને બેંકો માટે ફિક્સ સ્ટાન્ડર્ડ ફોર્મેટ
TRAI તમામ બેંકો, ઈ-કોમર્સ સાઇટ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે OTP મેસેજનો એક નિશ્ચિત ઢાંચો (Standardized Format) લાગુ કરવા જઈ રહ્યું છે-
હેતુ સ્પષ્ટ દર્શાવવો પડશે: મેસેજમાં સૌથી ઉપર સ્પષ્ટ અને મોટા અક્ષરે લખવું પડશે કે આ કોડ ‘લોગિન’ માટે છે, ‘બેંકમાંથી પૈસા ડેબિટ થવા’ માટે છે કે અન્ય કોઈ સર્વિસ માટે.
વેલિડિટી સમય: કોડ કેટલા સમય (દા.ત. 2 મિનિટ કે 5 મિનિટ) માટે માન્ય છે તેની સ્પષ્ટ જાણકારી આપવી પડશે.
સંસ્થાની સત્તાવાર ઓળખ: મેસેજ કઈ ચોક્કસ બેંક કે કંપની તરફથી આવ્યો છે તેની અધિકૃત ઓળખ સામેલ કરવી પડશે, જેથી નકલી અને અસલી મેસેજ વચ્ચેનો ભેદ સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે.

શા માટે આ કડક પગલું લેવું પડ્યું?
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના સત્તાવાર ડેટા અનુસાર દેશમાં સાયબર ફ્રોડના આંકડા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. વર્ષ 2021માં ઓનલાઇન છેતરપિંડીની અંદાજે 2.62 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે ચાર વર્ષ બાદ વધીને 2025 સુધીમાં 24.02 લાખને પાર પહોંચી ગઈ હતી.

આ કાળમાં લોકોની મહેનતની કમાણી લૂંટાવાનો આંકડો રૂપિયા 551 કરોડથી વધીને અધધ… રૂપિયા 22,495 કરોડ સુધી પહોંચી ગયો છે. મોટાભાગના કેસોમાં ઠગ સામાન્ય લોકોને વાતોમાં ભોળવીને કે ડરાવીને પેમેન્ટનો OTP મંગાવી લેતા હોય છે અને યુઝર મેસેજ વાંચ્યા વગર માત્ર કોડ આપી દેતા હોય છે. નવો નિયમ યુઝરને મેસેજ વાંચવા માટે મજબૂર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!