માધુરી દીક્ષિતના લગ્નમાં ડૉ. નેને શાહરૂખ-સલમાનને પણ નહોતા ઓળખતા! જાણો રિસેપ્શનનો રસપ્રદ કિસ્સો
ફરાહ ખાનના ફૂડ બ્લોગમાં ડૉ. શ્રીરામ નેનેનો ખુલાસો: બૉલીવુડના મોટા સ્ટાર્સ અજાણ્યા હતા, પરંતુ માત્ર આ એક જ સુપરસ્ટારને ઓળખતા હતા!
બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતની લોકપ્રિયતાથી સૌ વાકેફ છે. નેવુંના દસકામાં તો તેની સુંદરતા અને અભિનયનો એવો જાદુ હતો કે લાખો લોકો તેના દિવાના હતા અને આજે પણ છે, પરંતુ તમને એ વાતની ખબર નહીં હોય કે તેના પતિ ડોક્ટર શ્રીરામ નેનેને ફિલ્મ કલાકારો વિશે પૂરતી જાણકારી નહોતી. એટલે સુધી બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાનને પણ ઓળખતા નહોતા. તાજેતરમાં ફિલ્મમેકર ફરાહ ખાનના એક ફૂડ બ્લોગમાં ડોક્ટર શ્રીરામ નેનેને પોતાના લગ્નના રિસેપ્શન અંગે રસપ્રદ કિસ્સો કહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એ સમારંભમાં બોલીવુડના અનેક કલાકારો આવ્યા હતા, પરંતુ તેમના માટે તમામ લોકો અજાણ્યા હતા, જે મુદ્દો હવે લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
શાહરુખ કે સલમાનને ઓળખતા હતા?
ફરાહ ખાનના બ્લોગની વાતચીતમાં ડોક્ટર શ્રીરામ નેનેએ જણાવ્યું હતું કે તેમના લગ્ન માધુરી દીક્ષિત સાથે ત્યારે મોટા ભાગના હિન્દી ફિલ્મી કલાકારોને ઓળખતા નહોતા. અમેરિકામાં જન્મેલા ડોક્ટર શ્રીરામ નેને લોસ એન્જેલસમાં ઉછરેલા છે, જ્યારે તેમનું નોલેજ પણ હોલીવુડ પૂરતું હતું. તેમના માટે જાણીતા કલાકારોમાં જ્યોર્જ લુકાસ, સ્ટીવન સ્પીલબર્ક અને સ્ટાર વોર્સની ફિલ્મોનો ઉલ્લેખ કર્યો હતો, તેથી હિન્દી ફિલ્મોની વાત તો સાવ અલગ જ વાત હતી. ફરાહ ખાને જ્યારે પૂછ્યું કે તમે શાહરુખ અને સલમાન ખાનને ઓળખતા નહોતા તો મિસ્ટર નેનેએ સ્પષ્ટ કહ્યું હતું કે પહેલા હું તેમને ઓળખતો નહોતો.
વેડિંગ રિસ્પેશનમાં લોકોને જોઈ દંગ રહી ગયા
માધુરી દીક્ષિત અને ડોક્ટર શ્રીરામ નેનેના વેડિંગ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, નેને માટે એ અનુભવ થોડો અલગ લાગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રિસેપ્શનમાં મોટા ભાગના લોકોને ઓળખતા નહોતા. રિસેપ્શન પછી મહેમાનોને ફોટોમાં જોઈને ઓળખવાની કોશિશ કરી હતી. એટલે મોટા ભાગના લોકોને વ્યક્તિગત રીતે ઓળખતા નહીં હોવાનું કહેતા ફરાહ ખાન હસી પડી હતી.
બિગ બીને ઓળખતા હતા
સૌથી રસપ્રદ વાત એ હતી કે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને નેને ઓળખતા હતા. તેમણે જણાવ્યું કે અમિતાભ બચ્ચનની ફિલ્મ અમર અકબર એન્થની જોઈ હતી, તેથી તેમને ઓળખતા હતા. આ વાત જાણીને ફરાહ ખાનને આશ્ચર્ય થયું હતું. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે 17 ઓક્ટોબર, 1999માં અમેરિકાના કેલિફોર્નિયામાં ડોક્ટર શ્રીરામ નેનેએ વ્યક્તિગત કાર્યક્રમમાં માધુરી સાથે લગ્ન કર્યાં હતા. બંનેએ એરેન્જ મેરેજ કર્યા નહોતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને લગભગ છ મહિના ડેટ કર્યા હતા ત્યાર પછી માધુરી અમેરિકા ગઈ હતી અને થોડા વર્ષો ફિલ્મોથી અંતર રાખ્યું હતું. 2003માં મોટા દીકરા અરિન અને 2005માં રયાનનો જન્મ થયો હતો. વર્ષ 2011માં પરિવાર મુંબઈ પરત ફર્યો હતો, ત્યાર પછી માધુરીએ ફિલ્મો અને ટીવીની દુનિયામાં સક્રિય રીતે ભાગ લીધો હતો.
