August 26, 2026
ગુજરાત

ગુજરાત પોલીસના કાફલામાં 500 નવા ‘112-જનરક્ષક’ વાહનો સામેલ: હવે 8 મિનિટથી ઓછા સમયમાં મળશે ઇમરજન્સી મદદ

Spread the love

પેનિક બટન ઇન્ટિગ્રેશન સાથે રાજ્યમાં હવે 1,000 જનરક્ષક વાહનો 24 કલાક તૈનાત રહેશે

રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે.

નવા જનરક્ષક વાહન સાથે ૧,૦૦૦ વાહનોની તૈનાતી
આધુનિક ૧૫૦ બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD (Computer Aided Dispatch) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર ૧૦ મિનિટ ૪૯ સેકન્ડ થયો છે.

રિસ્પોન્સ ટાઈમ ઘટીને ૮ મિનિટ લાવવાનો લક્ષ્યાંક
નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને ૮ મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.

સુરક્ષાની દિશામાં દેશનું અગ્રણી રાજ્ય બનવા આગેકૂચ
ફ્લેગ ઓફ પ્રસંગે રાજ્ય મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાની દિશામાં દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે. ગુજરાત પોલીસ હંમેશાં જનતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ૧૧૨ -ઇમરજન્સી સેવા દ્વારા સહાય વધુ ઝડપી અને અસરકારક બનશે. હવે કોઈપણ નાગરિક ૧૧૨ નંબર પર ડાયલ કરે ત્યારે શક્ય તેટલા ઓછા સમયમાં પોલીસ સહાય પહોંચે તે દિશામાં આ સેવા વધુ સક્ષમ બનશે.

ટૂંકા ગાળામાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલની સેવા પૂરી પાડી
જનરક્ષક પ્રોજેક્ટના અમલીકરણના માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે, જ્યારે ૬.૭૪ લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા આપવામાં આવી છે.
૫૦૦ નવા અત્યાધુનિક જનરક્ષક વાહનોના સમાવેશથી ગુજરાતની ૧૧૨ ઇમરજન્સી સેવા વધુ ઝડપી, ટેક્નોલોજી આધારિત અને નાગરિકકેન્દ્રિત બનશે.
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી, સીઆઈડી ક્રાઈમ ડીજીપી ડૉ .કે.એલ.એન રાવ, લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયન, પોલીસ ટ્રેનિંગ ડીજીપી નિરજા ગોટરૂ, અગ્ર સચિવ નિપુણા તોરવણે, પી એન્ડ એમ એડીજીપી ખુરશીદ અહેમદ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!