પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત અને યુપીની સરકારે લીધા મોટા નિર્ણય, હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
ગુજરાતના રાજ્યપાલે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો કર્યો અનુરોધ

ગાંધીનગર: તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ સાત અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને વડા પ્રધાનની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણની જાળવણી અને ઇંધણ બચત માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આચાર્ય દેવવ્રત હવે હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા પણ મર્યાદિત રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેર જનતાને પણ પ્રદૂષણને ઘટાડવા માટે સાઈકલ અને ઈલેક્ટ્રિકલ વ્હિકલ (ઈવી)નો મહત્ત્મ વપરાશ કરવાનો અનુરોધ કર્યો છે. રાજ્યપાલ સિવાય ગુજરાત સરકારના મોટા ભાગના મંત્રીઓએ પણ પોતાના સરકારી વાહનના કાફલાને ઘટાડવાની પણ જાહેરાત કરી હતી.
આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડા પ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ.
રાજ્યપાલ, રાજ્યના ગૃહ મંત્રી અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સિવાય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પણ પ્રોટોકોલ માટે ફાળવવામાં આવતી કારની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સરકારે પણ પોતાના મંત્રી મંડળને મર્યાદિત સરકારી પરિવહન કરવાનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથની સરકારે સરકારના વાહનોમાં પચાસ ટકા ઘટાડવા, વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ બેઠકો અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો નિર્દેશ કર્યો છે. ઉપરાંત, વીજ બચત અને વિદેશી ટૂરને પણ ઘટાડવાનો અનુરોધ કર્યો છે.
વૈશ્વિક સંકટ સામે પીએમ મોદીએ કરેલી સાત અપીલ
• જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા
• ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો
• એક વર્ષ માટે વિદેશ પ્રવાસને ટાળીએ
• વિદેશી ઉત્પાદનોનો વપરાશ ઘટાડીએ તથા સ્વદેશી અપનાવીએ
• પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડીએ અને જાહેર પરિવહન વાપરીએ
• રાસાયણિક ખાતર પર નિર્ભરતા ઘટાડીએ અને પ્રાકૃતિક ખેતી કરીએ
• એક વર્ષ માટે સોનું ખરીદવાનુ ટાળીએ
