ઈરાન ભારત પાસેથી શું ખરીદે છે? ચોખાથી લઈને દવાઓ સુધી પણ આ વસ્તુઓની ઈરાનમાં છે ભારે માંગ…
ભારત અને ઈરાન વચ્ચે વર્ષોથી મજબૂત વ્યાપારિક સંબંધો રહ્યા છે. ભારત ઈરાન માટે કૃષિ પેદાશો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો એક મોટો સ્ત્રોત છે. તાજેતરમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પર ઘેરાઈ રહેલાં સંકટ સમયે પણ બંને દેશો વચ્ચેનો વેપાર ખૂબ જ મહત્વનો રહ્યો છે. આવી સ્થિતિમાં તમને પણ સવાલ થશે કે ઈરાન ભારતને પોતાનું મિત્ર રાષ્ટ્ર ગણાવે છે તો ઈરાન ભારત પાસેથી કઈ કઈ વસ્તુની આયાત કરે છે…
ભારતથી ઈરાન નિકાસ થતી મુખ્ય વસ્તુઓની વાત કરીએ તો ભારત મોટા પ્રમાણમાં એગ્રિકલ્ચર પ્રોડક્ટની નિકાસ કરે છે. ઈરાન ભારતીય એગ્રિકલ્ચરલ પ્રોડક્ટનો સૌથી મોટો ખરીદદાર છે. ઈરાન ભારતીય બાસમતી ચોખાના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે અને એ સિવાય તે ભારતમાંથી ચા, ખાંડ, તાજા ફળો જેવા કે કેળા, સંતરા, મોસબીની નિકાસ કરવામાં આવે છે.
ઈરાન ભારત પાસેથી ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ ખરીદે છે. ભારતીય જેનરિક દવાઓ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનો ઈરાનમાં મોટો બજાર છે. ઔદ્યોગિક વપરાશ માટે ભારતીય ઓર્ગેનિક કેમિકલ્સની ત્યાં ઘણી માંગ છે, એટલે ઈરાન ભારત પાસેથી ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટની મોટા પ્રમાણમાં આયાત કરે છે.
એન્જિનિયરિંગ અને મશીનરી જેમ કે ટુ-વ્હીલર અને અન્ય વાહનોના સ્પેરપાર્ટ્સ ભારતથી ઈરાન નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના પાવર જનરેટર અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોની નિકાસ થાય છે. ઈરાન તેના ઔદ્યોગિક એકમો માટે ભારત પાસેથી સ્ટીલ અને લોખંડના ઉત્પાદનો ખરીદે છે.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ ભારતીય મસાલાઓ ઈરાની રસોડાની શાન ગણાય છે એટલે ઈરાન ભારતથી આયાત કરે છે. આ ઉપરાંત ઘરેલું અને ઈન્ડસ્ટ્રિયલ યુઝ માટે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ અને કાપડ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ એટલે કે સિન્થેટિક ફાઈબર પણ ઈરાન ભારત પાસેથી ખરીદે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને કારણે દુનિયાભરમાં તંગદિલી જોવા મળી રહી છે. દુનિયાભરમાં ઓઈલ અને ગેસને લઈને ધાંધિયા જોવા મળી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે જો પરિસ્થિતિ લાંબા સમય સુધી આવી જ રહી તો પરિસ્થિતિ હજી વધારે વણસી શકે એમ છે.
