March 25, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાત સરકારે ‘અશાંત ધારામાં’ કર્યાં મહત્વના સુધારા: કોને ફાયદો થશે?

Spread the love


મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવા અને કલેક્ટરની સત્તાઓમાં વધારો કરતું નવું સુધારા વિધેયક-૨૦૨૬

ગુજરાતમાં અશાંત ધારો (હવે નિર્દિષ્ટ વિસ્તાર કાયદો) કોમી સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોના ગેરકાયદેસર કે દબાણયુક્ત વેચાણને રોકવા માટે અમલી છે. આ કાયદા હેઠળ, નિયુક્ત વિસ્તારોમાં મિલકત વેચવા માટે કલેક્ટરની અગાઉની મંજૂરી ફરજિયાત છે, જેથી કોઈ પણ વ્યક્તિ મજબૂરીમાં અથવા ડરથી પોતાની મિલકત ઓછી કિંમતે ન વેચે. ગુજરાતમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આમ, હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે.

ગુજરાતમાં અશાંત અથવા તોફાની વિસ્તારોમાં ખાસ કરીને મિલકતોના સોદાને અંકુશમાં લેવા માટે પસાર કરવામાં આવેલો કાયદો પહેલા 1991માં અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ કોમા રમખાણવાળા વિસ્તારોમાં અમુક સમુદાયના લોકો પર દબાણમાં આવીને પોતાની મિલકત વેચાણ જેવી પરિસ્થિતિ ઊભી થાય નહીં અને સમુદાયોમાં શાંતિ જળવાઈ રહે તેનો હતો, તેથી આવા વિસ્તારોમાં મિલકતના હસ્તાંતરણ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત બનાવી હતી. અમુક જગ્યાએ ગેરકાયદે મિલકતો કબજે કરવાની ઘટના ઘટી હતી, જેને ધ્યાનમાં લઈ 2026માં મહત્ત્વપૂર્ણ સુધારણાની આવશ્યક્તા ઊભી થઈ હતી, જે અન્યવે સરકારે પગલું ભર્યું છે.

ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-૨૦૨૬ રજૂ કરતી વખતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે.

નીચેના સુધારા દ્વારા રાજ્ય સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતધારકોના અધિકારોનું રક્ષણ કરી, સામાજિક સદભાવ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના મહત્વના સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે:

• ‘નારાજ વ્યક્તિ’ના વ્યાપમાં વધારો: હવે નિર્દિષ્ટ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકશે.

• જાહેર વ્યવસ્થાનું રક્ષણ: જે વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય, તેવા વિસ્તારને પણ કાયદાની જોગવાઈઓ અનુસાર ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરી શકાશે.

• કલેક્ટરની સત્તામાં વધારો: મિલકતના રક્ષણ માટે કલેક્ટર ‘સુઓ મોટો’ (સ્વતઃ સંજ્ઞાન) અથવા કોઈ પણ નારાજ વ્યક્તિની અરજી પર તપાસ કરી શકશે. જો મિલકતની તબદીલી વાંધાજનક જણાશે, તો કલેક્ટર તે મિલકત પોતાના કબજામાં લઈ શકશે.

• નાણાકીય સહાયની સુવિધા: લોકોની આર્થિક હાડમારી દૂર કરવા માટે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જે મુજબ નિર્દિષ્ટ વિસ્તારની વ્યક્તિ પોતાની મિલકત નાણાકીય સંસ્થાઓમાં ગિરો મૂકીને લોન કે સહાય મેળવી શકશે.

• તપાસ અને સલાહકાર સમિતિ: નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવા બાબતે વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાસ તપાસ ટીમ અને દેખરેખ તથા સલાહકાર સમિતિની ભૂમિકાને વધુ અસરકારક બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!