કરોળિયાના જાળાથી કંટાળ્યા છો? આ સ્માર્ટ ટિપ્સથી કરોળિયાના જાળાને કહો ટાટા બાય બાય…
આપણામાંથી અનેક લોકોને એવો અનુભવ થયો હશે કે ઘરમાં ગમે એટલી સાફ-સફાઈ રાખવા છતાં પણ ઘરમાં વારંવાર કરોળિયાના જાળા થઈ જાય છે. આવી સ્થિતિમાં તમને પણ સવાલ ચોક્કસ થતો હશે કે આખરે એવો કોઈ ઉપાય ખરો કે જેને કારણે આ કરોળિયાના જાળાની સમસ્યામાંથી મુક્તિ મળશે. કરોળિયાના જાળાએ માત્ર સફાઈની સમસ્યા નથી, પણ સ્વાસ્થ્ય અને વાસ્તુની દૃષ્ટિએ પણ તેને અશુભ માનવામાં આવે છે. છત કે ખૂણાઓની દરરોજ સફાઈ ન થવાને કારણે કરોળિયા ત્યાં પોતાનું ઘર બનાવી લે છે. જો તમે પણ દર થોડાક સમયે ઘરમાં બાઝી જતાં કરોળિયાના જાળા સાફ કરી-કરીને કંટાળી ગયા હોવ, તો આજે અમે અહીં તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો એમ છે. ચાલો જોઈએ કયા છે આ ઉપાયો…

ફૂદીનાના તેલનો ઉપયોગ કરો
કરોળિયાને ફુદીનાની તીવ્ર ગંધ બિલકુલ પસંદ હોતી નથી. એક સ્પ્રે બોટલમાં પાણી ભરી તેમાં ફુદીનાના તેલના થોડા ટીપાં નાખો. હવે ઘરના ખૂણા અને જ્યાં જાળા થતા હોય ત્યાં છંટકાવ કરો. આ કુદરતી રિપેલન્ટથી કરોળિયા ભાગી જશે.
વિનેગર અને પાણીનું મિશ્રણ
સફેદ વિનેગરમાં રહેલું એસિટિક એસિડ કરોળિયા માટે જોખમી સાબિત થાય છે. વિનેગર અને પાણીનું મિશ્રણ અડધા કપ વિનેગરમાં અડધો કપ પાણી ભેળવીને જાળાવાળી જગ્યાએ છાંટો. તેની ગંધથી કરોળિયા ફરી તે જગ્યાએ જાળું બનાવશે નહીં.
લીંબુ કે સંતરાની છાલને ઉપયોગમાં લો
જી હા, તમને સાંભળવામાં ભલે વિચિત્ર લાગશે, પણ આ હકીકત છે. ખાટા ફળોની સુગંધ કરોળિયાને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. લીંબુ કે સંતરાની છાલને બારી-બારણાં કે જે ખૂણામાં વધુ જાળા થતા હોય ત્યાં ઘસો અથવા તેની છાલ ત્યાં મૂકી રાખો. તેની તીખી ગંધને કારણે કરોળિયા ત્યાં આવવાનું ટાળશે.
કપૂર પણ છે કારગર
કપૂર માત્ર વાતાવરણ શુદ્ધ નથી કરવા પૂરતું કે પૂજા-વિધિમાં ઉપયોગમાં લેવાતી એક સામગ્રી નથી. કપૂર જીવજંતુઓને દૂર રાખવા માટે પણ જાણીતું છે. આ માટે તમારે ઘરના ખૂણાઓમાં કપૂર સળગાવવાથી અથવા કપૂરની ગોટીઓ મૂકી રાખવાથી કરોળિયા અને મચ્છર બંનેનો ત્રાસ ઓછો થાય છે. કપૂરની શીતળ અને તીવ્ર અસર કરોળિયાને દૂર રાખે છે.
ધૂળના થર ના જામવા દેશો
સૌથી અસરકારક રસ્તો નિયમિત સફાઈ જ છે. માત્ર ફ્લોરિંગ જ નહીં, પણ અઠવાડિયામાં એકવાર સીલિંગના ખૂણા, પંખાની ઉપરનો ભાગ અને કબાટની પાછળના ભાગની સફાઈ ચોક્કસ કરો. જો આ તમામ જગ્યાએ ધૂળ જમા નહીં થાય, તો કરોળિયાને જાળું બનાવવાની જગ્યા મળશે નહીં અને તમારું ઘર જાળા મુક્ત રહેશે.
