February 28, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ: દુબઈ એરપોર્ટ બંધ, 11 દેશની એરસ્પેસ જોખમી

Spread the love

ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ્સ રદ: હજારો મુસાફરો અને સેલિબ્રિટીઓ દુબઈમાં ફસાયા

તહેરાન-વોશિંગ્ટન-નવી દિલ્હીઃ ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા પછી મિડલ ઈસ્ટના દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સૌથી મોટી ખુવારી ઈરાનમાં થઈ છે, જ્યારે ઈરાને પણ વળતો પ્રહાર કરતા દુબઈ, કુવૈત સહિત અન્ય શહેરોમાં મોટી ખુવારી થઈ છે. ઈરાને કુવૈત, દુબઈ, અબુ ધાબી, બહેરિન, કતાર, ઈરાક, સઉદી અરેબિયા, જોર્ડન સહિત અન્ય ખાડી દેશોમાં અમેરિકાના લશ્કરી ઠેકાણા પર મિસાઈલથી એટેક કર્યો છે. ત્રણ દેશની સાથે બીજા ડઝનબદ્ધ દેશો યુદ્ધમાં ઝંપલાવી શકે છે, જ્યારે દુનિયાભરની ઈકોનોમી પર મુશ્કેલીઓના વાદળો ઘેરાયા છે.
દરમિયાન ભારતીય એરલાઈન્સ કંપનીઓએ 11 દેશની એરસ્પેસને જોખમી ગણાવી છે, તેથી બચવાની સલાહ આપી છે. આ અગિયાર દેશમાં ઈરાન, ઈઝરાયલ, લેબનોન, યુએઈ, સઉદી અરેબિયા, ઓમાન, ઈરાક, જોર્ડન અને કતારનો સમાવેશ થાય છે.

દુબઈ પર હુમલાને કારણે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. દુબઈ એરપોર્ટ બંધ થવાથી હજારો ભારતીય દુબઈમાં ફસાયા છે, જેમાં ઉદ્યોગપતિઓ, કલાકારો અને રમતગમતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના એમપી સહિત જાણીતી અભિનેત્રી સોનલ ચૌહાણ, પીવી સિંધૂનો સમાવેશ થાય છે. દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ઈરાન-ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે વાત કરી તેમ જ વર્તમાન તણાવભર્યા માહોલને ઘટાડવાની અપીલ કરી છે.
યુદ્ધની પરિસ્થિતિને કારણે ભારતીયો પણ અનેક દેશોમાં ફસાયા છે, જ્યારે હવાઈ સેક્ટર પર પણ ગંભીર અસર પડી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ સહિત ઈન્ડિગો એરલાઈન્સે ખાડી દેશોની પોતાની તમામ ફ્લાઈટ્સને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી છે. મુંબઈમાંથી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી શનિવારે 57થી વધુ ફ્લાઈટ રદ કરી હતી.

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું કે પ્રવાસીઓ અને ક્રૂની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરુરિયાત અનુસાર સુધારા કરવામાં આવશે. અસરગ્રસ્ત પર્યટકોની તેમના રજિસ્ટર્ડ કોન્ટેક્ટ પર વિગતો પૂરી પાડવામાં આવશે.
એર ઈન્ડિયાએ શનિવારે મેંગલોરથી દુબઈ જનારી ફ્લાઈટને એર સ્પેસ બંધ હોવાથી પરત કરી હતી, જેમાં 145 પ્રવાસી સવાર હતા.
એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ તેની નિર્ધારિત ફ્લાઈટને રદ કરવાની સાથે રિશેડ્યૂલિંગ કરી હતી. સ્પાઈસજેટ સહિત ઈન્ડિગોએ કહ્યું છે કે ઈરાન અને મધ્ય પૂર્વની આસપાસના હવાઈ સેક્ટર પર અસર થવાથી અમુક ફ્લાઈટ્સ પર અસર થઈ શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ખાનગી એરપોર્ટ ઓપરેટર્સને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેને કારણે સંભવિત ડાઈવર્ઝન, અનિર્ધારિત લેન્ડિંગ અને પ્રવાસીઓને સુવિધા માટે વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!