હોળી-ધુળેટી નિમિત્તે એસટી 1,300થી વધુ બસ દોડાવશે
મુસાફરોની સુવિધા માટે GSRTC દ્વારા ૭,૫૦૦ વધારાની ટ્રીપો અને ડાકોર-દ્વારકા માટે ખાસ બસોનું આયોજન
હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલનનું કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો કરીને કુલ ૧૩૦૦ વધારાની બસો દ્વારા ૭૫૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.
હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જનારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.
હોળીના તહેવારમાં ડાકોરમાં ફૂલડોલોત્સવ તથા દ્વારકામાં પણ માં લાખો ભાવિભક્તો દર્શાનાર્થે જતા હોય છે. ભક્તોને પરીવહનમાં કોઈપણ અગવડ ન પડે તે હેતુથી દ્વારકા અને ડાકોર જનારા દર્શનાર્થીઓ માટે ૪૫૦ બસો દ્વારા ૩૫૦૦ ટ્રીપો ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિશેષ સેવાઓ તા. ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા અને ભીડને ટાળવા માટે નિગમ દ્વારા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.
આ સમગ્ર સંચાલન સંબંધિત કોઈપણ પૂછપરછ માટે મુસાફરો નિગમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક કરી શકે છે. દરેક ડેપો ખાતેથી પણ આ વધારાની સર્વિસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે. રાજ્યના નાગરિકોને આ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અને મુસાફરી સુરક્ષિત બનાવવા એસ. ટી. નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.
