બહેનપણીના ઘરે જવા નીકળેલી યુવતીનો મૃતદેહ પનવેલ સ્ટેશન નજીક મળી આવ્યો…
મુંબઈ: નવી મુંબઈમાં આવેલા ઉરણ ખાતે 20 વર્ષીય યુવતીની કરવામાં આવેલી નિર્મમ હત્યાથી નવી મુંબઈ જ નહીં પણ મુંબઈ હચમચી ગઈ છે. છેલ્લાં કેટલાય સમયથી નવી મુંબઈમાં મહિલાઓ સામેની ગુનાખોરીના પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જ શિલફાટા નજીક ડુંગર પર એક પરિણીત મહિલા પર સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. હવે પનવેલ સ્ટેશન નજીક યુવતીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઘટના વિશે મળી રહેલી માહિતી અનુસાર થોડાક દિવસ પહેલા પનવેલ સ્ટેશન નજીક એક 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના શરીર પર અનેક ઘા જોવા મળ્યા હતા. આ યુવતીની ઓળખ યશશ્રી શિંદે તરીકે કરવામાં આવી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે 25મી જુલાઈના યશશ્રી બહેનપણીના ઘરે જવા માટે બપોરે 1.30 કલાકે નીકળી હતી. ઘરેથી તે પનવેલની દિશામાં જવા રવાના થઈ હતી. સાંજે સાડાચાર વાગ્યાની આસપાસમાં યશશ્રીનો મોબાઈલ બંધ થઈ ગયો હતો અને આ જ સમયગાળા દરમિયાન તેની વાર કરીને હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
દરમિયાન ઉરણ પોલીસને પરિવારે આપેલા નિવેદનમાં તેમને દાઉદ શેખ નામના યુવક પર જ યશશ્રીની હત્યાનો આક્ષેપ મૂક્યો છે. યશશ્રી અને દાઉદ બંને એકબીજાને ઓળખતા હતા અને દાઉદ શેખે જ પોતાની દીકરીની હત્યા કરી છે અને તેને ફાંસી આપવાની માંગણી પણ કરવામાં આવી છે. યશશ્રીના શરીર પણ એક કરતા વધુ ઘા જોવા મળ્યા છે. પરિવારની શંકાને આધારે દાઉદની શોધમાં પોલીસની એક ટીમ કર્ણાટક જવા રવાના થઈ ગઈ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે પીડિતના પરિવારે દાવો કર્યો હતો કે 2019માં શેખ વિરુદ્ધ વિનયભંગ અને પોક્સો અન્વયે એફઆઈઆર કરવામાં આવી હતી, ત્યારબાદ ઉરણ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી અને જેલમાં ધકેલ્યો હતો.
