February 13, 2026
ટોપ ન્યુઝ

કાશ્મીરમાં મોદીનો આતંકવાદીઓને પડકારઃ દુશ્મનોને જડબાતોડ જવાબ મળશે

Spread the love

પીએમ નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વિજેતાઓને આપી શ્રદ્ધાંજલિ
PM Modi Tribute to War Heroes
કારગિલ વિજય દિવસે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હાજરી આપીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પચીસમા કારગિલ વિજય દિવસના પ્રસંગે દ્રાસ સ્થિત કારગિલ યુદ્ધ સ્મારક ખાતે યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. 26 જુલાઈ 1999ના ભારતે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું હતું કે આજે લદ્દાખની મહાન ભૂમિ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠનું સાક્ષી છે. દેશ માટે બલિદાન આપનારા જવાનોએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો એ તમામ લોકોને હું નમન કરું છું. હું એ તમામ શહીદોને વંદન કરું છું, જેમણે કારગિલમાં માતૃભૂમિની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું.


કારગિલમાં કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આજે હું આ મંચ પરથી જણાવું છે કે અહીંયાથી આતંકવાદીઓના આકાઓને મારો અવાજ સંભળાતો હશે. હું તે તમામ લોકોને કહીશ કે તમારા મનસુબા ક્યારેય સફળ થશે નહીં. દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. લદ્દાખ હશે કે જમ્મુ કાશ્મીરના વિકાસ માટેના જે કોઈ અવરોધો હશે એને પરાસ્ત કરવામાં આવશે, એમ પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
જમ્મુ કાશ્મીરની 370 કલમ રદ કર્યાને થોડા દિવસોમાં પાંચ વર્ષ પૂરા થશે. આજે જમ્મુ કાશ્મીર નવા સપનાની વાતો કરે છે. જમ્મુ કાશ્મીરમાં જી-ટવેન્ટી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. દાયકાઓ પછી રાજ્યમાં થિયેટર ખોલવામાં આવ્યા હતા અને ત્રણ દાયકા પછી શ્રીનગરમાં તાજિયા નીકળ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ઝડપથી શાંતિનો માહોલ બની રહ્યો છે.
લદ્દાખના લોકોની સુવિધામાં વધારો થવા સાથે ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એના માટે કેન્દ્ર સરકાર સક્રિય છે. લદ્દાખને બજેટમાં 6,000 કરોડની ફાળવણી કરી છે. બજેટમાં છ ગણો વધારો કરવામાં આવ્યો છે. લદ્દાખમાં વીજળી, પાણી અને રસ્તાની સુવિધા પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે. જલ જીવન મિશનને કારણે હવે લદ્દાખના 90 ટકા ઘરોમાં પાઈપથી પીવાનું પાણી પહોંચ્યું છે. શિક્ષણ માટે સિંધુ કેન્દ્રીય યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે. 13 કિલોમીટર લાંબી જોજિલા ટનલનું કામ પણ ચાલુ છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેન (બીઆરઓ) દ્વારા અભૂતપૂર્વ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં 330થી વધુ પ્રોજેક્ટ પૂરા કર્યા છે. વિવિધ કામગીરીમાં સેલા ટનલનો પણ સમાવેશ થાય છે.
આર્મી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને વધાવતા મોદીએ કહ્યું હતું કે આર્મીએ 5,000 વસ્તુ બહારથી નહીં મંગાવવાનો નિર્ણય લીધો છે, જે સાહસિક બાબત છે. અગ્નિપથ યોજના અંગે મોદીએ કહ્યુ હતું કે સેનાને લોકોએ રાજકીય અખાડો બનાવ્યો છે, જ્યારે કૌભાંડોએ સેનાની નબળી બનાવવાની કોશિશ કરી છે પણ અગ્નિપથ યોજનાથી આર્મીની શક્તિમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!