દીકરા અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે 50 કપલના લગ્ન કરાવ્યા
દીકરા અનંત અને રાધિકાના લગ્ન કરાવ્યા પહેલા જ મુકેશ અને નીતા અંબાણી પરિવાર ચર્ચામાં છે. બે પ્રી-વેડિંગ કરાવીને ભારતમાં જ નહીં, દુનિયાભરમાં લાઈમલાઈટમાં આવ્યા છે. વહાલસોયા દીકરાના લગ્ન પહેલા એક ગુજરાત અને બીજું યુરોપમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન કરી ચૂક્યા છે. આનો ખર્ચ કરોડો નહીં, અબજો રુપિયામાં પહોંચ્યો છે ત્યારે લગ્ન પહેલા મુકેશ અંબાણીએ નવી મુંબઈમાં પોતાના રિલાયન્સ (RIL)ના કેમ્પસમાં પચાસ દંપતીના લગ્ન કરાવ્યા છે.
પ્રી-વેડિંગ ફંક્શનના ભાગરુપે મુકેશ અંબાણી પચાસ દંપતીના લગ્ન કરાવ્યા બાદ શાનદાર ડિનર પણ રાખવામાં આવ્યું છે. તમામ લોકો પાલઘર જિલ્લાના રહેવાસી છે પચાસ જેટલા દંપતીના લગ્નમાં લગભગ 800 પરિવારજનોએ હાજરી આપી હતી. અંબાણી પરિવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કેમ્પસમાં જરુરિયાતમંદ લોકોના સામૂહિક લગ્ન કરાવીને મુકેશ અંબાણી પરિવારે પુણ્યનું ભાથું બાંધ્યું છે.
અંબાણી પરિવારે દરેક દંપતીને સોના-ચાંદીના દાગીનાની ભેટ પણ આપી હતી. આ ઉપરાંત, દરેકને એક લાખનો ચેક આપ્યો હતો. ઘરવપરાશની વસ્તુઓની સાથે એક વર્ષ ચાલે એટલું કરિયાણું પણ દરેક પરિવારને આપવામાં આવ્યું હતું. લગ્ન-ડિનર પછી પરંપરાગત ડાન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મનભરીને મોજ કરી હતી.
લગ્નના કાર્યક્રમ પછી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે નવદંપતીને મારા ખરા દિલથી આશીર્વાદ છે. આ સમૂહલગ્નથી દીકરા અનંત અને રાધિકાના લગ્નના ભવ્ય કાર્યક્રમથી આરંભ થયો છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે.
રિલાયન્સના કેપ્મ્પસમાં યોજવામાં આવેલી આ ઈવેન્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણી, નીતા અંબાણી, દીકરો આકાશ, શ્લોકા મહેતા અને દીકરી ઈશા અને પતિ આનંદ પિરામલ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન પછી પરિવારે તમામ દંપતીને શુભાશીષ આપ્યા હતા. જોકે, અનંત અને રાધિકા આ ઈવેન્ટમાં જોવા મળ્યા નહોતા.
ગઈકાલના નવી મુંબઈના ખાતેના કાર્યક્રમ પહેલા ગયા મહિને 29મી તારીખે પણ વિશેષ પૂજા કરાવી હતી. અહીં એ જણાવવાનું કે અનંત અને રાધિકાના લગ્ન બારમી જુલાઈના શુક્રવારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જીયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન યોજવામાં આવશે.
