ઉત્તર પ્રદેશના હાથરસમાં ધર્મિક કાર્યક્રમમાં ભાગદોડ, 100થી વધુ લોકોના મોત
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરરાઉમાં સત્સંગનાં કાર્યક્રમ દરમિયાન અચાનક ભાગદોડ મચી ગઈ હતી. સત્સંગના કાર્યક્રમ દરમિયાન અચાનક થયેલી નાસભાગને કારણે મૃત્યુઆંક વધીને 116 થયો છે. તેમના મૃતદેહ એટાહ જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. તેથી મૃત્યુઆંક પણ વધી શકે છે. ઘાયલોને એટાહ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ સાતવાર જણાવાયું હતું.

હાથરસના ફુલરાઈના કાર્યક્રમ ભોલે બાબા નામે સંત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બપોરે પ્રવચન પૂરું થયા પછી તેમના ચરણસ્પર્શ કરવા માટે લોકોએ દોડાદોડી કરી મૂકી હોવાનું કહેવાય છે. ભોલે બાબાનું પ્રવચન પૂરું થયા પછી હાથરસ એટા બોર્ડર નજીક રતિભાનપુર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
પંડાલમાં ભયાનક ભીડ અને ગરમી વચ્ચે ભાગદોડ થઈ હતી. અન્ય હાજર લોકોએ કહ્યું હતું કે અવજવર માટેનો રસ્તો સાંકડો હતો અને છેલ્લે લોકોએ જવા માટે દોડાદોડી કરતા નાસભાગ થઈ હતી, જેમાં અમુક લોકો તો લોકો ઉપરથી દોડોડોડી કરી હતી, જેમાં અનેક લોકો કચડાઈ ગયા હતા.

કોણ છે ધર્મગુરુ બાબા નારાયણ?
હાથરસના એક ગામમાં નારાયણ સાકાર નામે ભોલે બાબાના દરબારમાં હાજર લોકોએ અચાનક ભાગદોડ કરી મૂકતા લોકો મોટી આફતમાં મુકાયા. નારાયણ સાકાર પોતે આઇબીની નોકરી છોડીને અધ્યાત્મના માર્ગે ગયા હોવાનું કહેવાય છે. આ ધર્મગુરુનાં મંચ પર અનેક દિગ્ગજ નેતાઓ પણ જોવા મળ્યા છે, જ્યારે તેમના અનુયાયીઓનો વર્ગ પણ બહુ મોટો છે. આ બનાવને કારણે તેમના અનુયાયાીઓને પણ મોટો આઘાત લાગ્યો છે. આ ઘટના પછી નારાયણ સાકારની પણ ધરપકડ થાય એવી શક્યતા વધી છે. સત્સંગના કાર્યક્રમમાં મુખ્ય સરદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો સામે ભારતીય ન્યાય સંહિતા 105, 110, 126 (2), 223 અને 238 અન્વયે એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય ધોરણે તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. આ બનાવ અંગે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત, મૃતકના પરિવારજનોને આર્થિક સહાય તરીકે બબ્બે બબ્બે લાખ આપવાની જાહેરાત કરી હતી. ઇજાગ્રસ્ત લોકોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. અહીંના કાર્યક્રમમાં મથુરા, આગ્રા, ફિરોઝાબાદ સહિત અન્ય શહેરોમાંથી લોકો આવ્યા હતા. એક લાખથી વધુ લોકોએ હાજર રહ્યા હોવાનું પણ મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું.
દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હાથરસમાં બનેલી ઘટનાની નોંધ લઇને એડિશનલ ચીફ સેક્રેટરી દીપક કુમાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ સાથે રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોની સારવાર વગેરેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવા સૂચના આપવામાં આવી છે.
