મહારાષ્ટ્રમાં ઉથલપાથલના સંકેતઃ અજિત પવાર જૂથના વિધાનસભ્યએ જયંત પાટીલની કરી મુલાકાત
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિના ફિયાસ્કા પછી અજિત પવાર જૂથના નેતાઓ શરદ પવારની પાર્ટીના સંપર્કમાં હોવાની અટકળો અઠવાડિયાથી વહેતી છે. આ મુદ્દે તાજેતરમાં જાણવા મળ્યું છે કે અજિત પવાર જૂથના વિધાનસભ્યો શરદચંદ્ર પવાર (એસપી)ની એનસીપીના નેતા જયંત પાટીલને મળ્યા છે. આ અહેવાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની અટકળો વહેતી થઈ રહી છે.
આ મુલાકાતને કારણે અજિત પવાર જૂથના નેતાઓ શરદ પવારની પાર્ટીમાં જોડાઈ શકે છે. અજિત પવાર જૂથના ચારથી પાંચ વિધાનસભ્યોએ જયતં પાટીલની મુલાકાત કરી છે. આ અગાઉ શરદ પવાર જૂથના નેતાએ પણ દાવો કર્યો હતો કે અજિત પવાર જૂથના નેતાઓ મારા સંપર્કમાં છે.
શરદ પવાર જૂથના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ વિધાનસભામાં કામકાજ અર્થે આવ્યા ત્યારે આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી. અજિત પવાર જૂથના ચારથી પાંચ વિધાનસભ્ય મારી ઓફિસમાં મળવા આવ્યા હતા. આ મુલાકાત વખતે જિતેન્દ્ર આવ્હાડ, રાજેશ ટોપે અને અનિલ દેશમુખ પણ ઉપસ્થિત હતા.
જયંત પાટીલ સાથે મુલાકાત કરનારા બે વિધાનસભ્ય નાસિક મતદાર સંઘના છે. લોકસભાની ચૂંટણી વખતે નાશિકમાં કાંદા મુદ્દો ગરમાયો હતો. અને એની અસર મહાયુતિના પરિણામો પર પડી હતી. અને અનેક નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો.
શરદ પવાર જૂથના વિધાનસભ્ય રોહિત પવારે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નહોતી અને કહ્યું કે જયંત પાટીલ એક અનુભવી નેતા છે. ક્યારે કયું કાર્ડ રમવું એ તેમને ખબર છે. આ તો એક શરુઆત છે. લોકસભાની ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી છે કે શરદ પવાર મહાયુતિના નેતાઓથી આગળ છે. જે લોકો પણ આવશે તેમનું સ્વાગત છે. આમ છતાં જે નેતાઓએ લોકોની ભાવનાઓ સાથે રમત રમ્યા છે તેમના અંગેનું સ્ટેન્ડ તો શરદ પવાર અને જંયત પાટીલ લેશે. અજિત પવાર પર નિશાન તાકતા કહ્યું હતું કે ભાજપ જાણી જોઈને અજિત પવારને સાઈડલાઈન કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે અજિત પવારનો સાથે લીધો હતો, કારણ કે ભાજપને શરદ પવાર જૂથના મત જોઈતા હતા.
