February 20, 2026
નેશનલ

દિલ્હી એરપોર્ટ પર વિચિત્ર હોનારતઃ છત તૂટતા એકનું મોત, કારનો કચ્ચરઘાણ

Spread the love

નવી દિલ્હીઃ ભારે વરસાદને કારણે આજે સવારે દિલ્હી એરપોર્ટ પર મોટી હોનારત સર્જાઈ, જેમાં મોટી જાનહાનિના પણ સમાચાર જાણવા મળ્યા છે. એરપોર્ટના ટર્મિનલ 1ની છત તૂટી પડી. આ બનાવમાં એકનું મોત થયું, જ્યારે છ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત પછી ફાયર બ્રિગેડ સહિત અન્ય એજન્સી બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. એરપોર્ટ પરિસરમાં ફસાયેલા તમામ લોકોને પણ સુરક્ષિત બહાર ખસેડવામાં આવ્યા હતા.
પાટનગર દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે વિચિત્ર પ્રકારની હોનારત સર્જાઈ. સવારના પાંચ વાગ્યાના સુમારે ટર્મિનલ એકની છત તૂટી પડી હતી. છત તૂટી પડવાને કારણે કાટમાળમાં કાર અને ટેક્સીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવમાં એકનું મોત થયું છે, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચ્યા પછી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ટર્મિનલ પરની ફ્લાઈટ સર્વિસને સ્થગિત કરવામાં આવી હતી. ઈન્ડિગો, સ્પાઈસ જેટ સહિત અન્ય અનેક ફ્લાઈટની સર્વિસને સ્થગિત કરવાની સાથે ટર્મિનલ એકનું ચેક-ઈન કાઉન્ટર પણ બંધ કરવામાં આવ્યું હોવાનું એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.


અધિકારીએ કહ્યું હતું કે ટર્મિનલની છત તૂટવાની સાથે સપોર્ટ બીમ પણ તૂટી પડ્યા હતા, જેને કારણે એરપોર્ટ પરિસરમાં પિક અપ અને ડ્રોપ ટેક્સીના પાર્કિંગમાં રહેલી ટેક્સીને નુકસાન થયું હતું. હજુ પણ બચાવ અને તપાસની કામગીરી ચાલુ છે. એરપોર્ટ પરિસરમાં સર્જાયેલી હોનારત વચ્ચે એરપોર્ટ પ્રશાસન દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ટર્મિનલ એક પરની ડિપાર્ચર ફ્લાઈટને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ વૈકલ્પિક રીતે બે અને ત્રણ નંબરના ટર્મિનલની તમામ ફ્લાઈટ સર્વિસ ચાલુ હોવાનું પ્રશાસને જણાવ્યું હતું.
આ બનાવ મુદ્દે કેન્દ્રીય પ્રધાન રામ મોહન નાયડુએ કહ્યું કે આ બનાવની વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યો છો. ઘટનાસ્થળે ક્વિક રિસ્પોન્સ ટીમની સાથે ફાયર બ્રિગેડના જવાનો પણ બચાવ કામગીરી માટે કાર્યરત છે. ફ્લાઈટની સર્વિસ સ્થગિત કરવામાં આવી હોવાથી પ્રવાસીઓને પણ જરુરી મદદ પૂરી પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!