ટૂંક સમયમાં જ મુંબઈગરાને મળશે ત્રીજો Sea Link…
મુંબઈ: ટૂંક સમયમાં જ મુંબઈગરાને વધુ એક સી લિંક મળવા જઈ રહ્યો છે. કોલાબાથી નરીમાન પોઈન્ટ સુધીના સી લિંકનો માર્ગ મોકળો થઈ ગયો છે. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન અને વિધાન સભ્યોની બેઠકોમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સી લિંકને કારણે કોલાબામાં જોવા મળતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે.
દક્ષિણ મુંબઈ જવાનો માર્ગ મોકળો થઈ જશે. કોળી લોકોને ત્રાસ ના થાય એ માટે નવો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલાં નરીમાન પોઈન્ટ કફ પરેડ એવો આ સી લિંકનો પ્રોજેક્ટ હતો પણ આ પ્લાનને રદ કરવામાં આવ્યો છે. સમુદ્રમાંથી પસાર થનારો માર્ગ હવે સમુદ્ર કિનારા પાસેથી પસાર થશે. આ સી લિંકને કારણે કોલાબામાં જોવા મળતી ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે.
નરીમાન પોઈન્ટ પોઈન્ટ ખાતે આવેલા એનસીપીએ નજીક આવેલા બધવાર પાર્ક માર્ગે આ રસ્તો બનાવવામાં આવશે. આ રસ્તાની બાજુમાં જ ફિશ એક્વેરિયમ પણ બનાવવામાં આવશે. તેમ જ આ કારણે પર્યટનને વેગ મળે અને મુંબઈગરા માટે ફરવાનું અને મનોરંજનનો એક નવો વિકલ્પ ખુલ્લો થશે.

નરીમાન પોઈન્ટના એનસીપીએથી શરૂ થનારો આ બ્રિજ કોલાબા ફાયર સ્ટેશન સુધીનો હશે. ચાર લેનવાળા પુલ પર બે લેન નરીમાન પોઈન્ટ તરફ જશે અને બે લેન કોલાબા તરફ જશે. મુંબઈમાં જોવા મળનારી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આ પુલ મહત્વની ભૂમિકા ભજવશે એટલે જ સરકાર હવે ત્રીજો સી લિંક બનાવવાની યોજના પર કામ કરી રહી છે.
આ પહેલાં મુંબઈમાં 5.6 કિમીની લંબાઈનો બાંદ્રા-વર્લી સી લિંક 2010માં ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યાર બાદ 2019થી 17.7 કિલોમીટરનો બાંદ્રા વર્સોવા સી લિંકનું કામ ચાલી રહ્યું છે. હવે નરીમાન પોઈન્ટથી કોલાબા એમ ત્રીજો સી લિંક મળવા જઈ રહ્યો છે.
