November 1, 2026
નેશનલ

Ghee Purity Test: દિલ્હીમાં 948 લિટર નકલી ઘી ઝડપાયું! તમારા ઘરનું ઘી અસલી છે કે ઝેર? આ રીતે કરો ચકાસણી

Spread the love


તહેવારોની સિઝન શરૂ થતાં જ બજારમાં મીઠાઈઓ અને પકવાનોની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે નફાખોરો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો કાળો કારોબાર પણ વેગ પકડી રહ્યો છે. ગુજરાતમાં તો છાશવારી બનાવટી ઘી પકડાવવાના કિસ્સા બન્યા કરે છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં ફૂડ સેફ્ટી વિભાગે દરોડો પાડીને બ્રાન્ડેડ કંપનીઓના રેપર હેઠળ વેચાતું 948 લિટર નકલી દેશી ઘી જપ્ત કર્યું છે.

તહેવારોમાં શુદ્ધ ઘીના નામે કેમિકલ્સ, ડાલડા અને પ્રાણીજન્ય ચરબી મિશ્રિત નકલી ઘીનું વેચાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. જો તમે પણ બજારમાંથી ખુલ્લું કે પેકેટવાળું દેશી ઘી ખરીદ્યું હોય, તો તેનો ઉપયોગ કરતાં પહેલાં તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવી ખૂબ જરૂરી છે. તમારા રસોડામાં ઉપલબ્ધ સાધન-સામગ્રીથી જ મિનિટોમાં ઘીની શુદ્ધતા ચકાસી શકાય છે.

હથેળી પર ઓગાળવાની સૌથી ઝડપી દેશી રીત (મેલ્ટિંગ ટેસ્ટ)
રીત: અડધી નાની ચમચી જેટલું ઘી તમારી હથેળી પર મૂકો અને 10થી 15 સેકન્ડ રાહ જુઓ.
અસલી ઘી: શુદ્ધ દેશી ઘીનું મેલ્ટિંગ પોઇન્ટ માનવ શરીરના તાપમાન કરતાં પણ નીચું હોય છે. જો ઘી અસલી હશે, તો તે હથેળીની કુદરતી ગરમીના સંપર્કમાં આવતાં જ તરત ઓગળવા લાગશે અને હળવું પારદર્શક બની જશે.
નકલી ઘી: જો ઘીમાં પામ ઓઇલ, ડાલડા કે વનસ્પતિ ચરબી ભેળવવામાં આવી હશે, તો તે હથેળી પર જામી રહેશે અને ઓગળવામાં ઘણો સમય લેશે.

ગરમ વાસણમાં રંગ બદલાવવાની રીત
રીત: ગેસ પર એક નાની કડાઈ કે ચમચીને સારી રીતે ગરમ કરો. વાસણ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી ઘી નાખો.
અસલી ઘી: શુદ્ધ ઘી ગરમ વાસણમાં પડતાંની સાથે જ ક્ષણભરમાં ઓગળી જશે અને તેનો રંગ ઘેરો કથ્થઈ (Dark Brown) થઈ જશે, સાથે જ ઘીની વિશિષ્ટ કુદરતી સુગંધ પ્રસરી જશે.
નકલી ઘી: ભેળસેળિયું ઘી ઓગળતાં વધુ સમય લેશે અને તેનો રંગ ભૂરો થવાને બદલે આછો પીળો કે સફેદ જ રહેશે. તેમાંથી કોઈ કુદરતી સુવાસ પણ આવશે નહીં.

આયોડિન ટેસ્ટ: બાફેલા બટાકા અને સ્ટાર્ચની ભેળસેળ પકડો
ઘીનું વજન અને ઘટ્ટતા વધારવા માટે અસામાજિક તત્વો તેમાં બાફેલા બટાકા કે સ્ટાર્ચ પાવડર ભેળવતા હોય છે.
રીત: એક વાટકીમાં થોડું ઘી ઓગાળી તેમાં 2થી 3 ટીપાં આયોડિન સોલ્યુશન (Iodine Tincture) ઉમેરો.
પરિણામ: જો ઘીનો રંગ બદલાઈને ઘેરો વાદળી કે જાંબલી થઈ જાય, તો તેમાં ભારે માત્રામાં સ્ટાર્ચ કે બટાકાની મિલાવટ છે. શુદ્ધ ઘીમાં રંગ બદલાતો નથી.

ડાલડા કે વનસ્પતિ તેલ પકડવાનો ખાંડ ટેસ્ટ
એક નાની કાચની બોટલ કે ટેસ્ટ ટ્યુબમાં એક ચમચી પીગળેલું ઘી લો. તેમાં અડધી ચમચી ખાંડ અને થોડાં ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ (HCl) ઉમેરીને બરાબર હલાવો. જો મિશ્રણનો નીચેનો ભાગ ગુલાબી કે લાલ થઈ જાય, તો તેમાં હાનિકારક ડાલડા કે વનસ્પતિ ઘીની ભેળસેળ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!