ગુજરાતની દૃષ્ટિબાધિત દોડવીરે એશિયન પેરા ગેમ્સમાં રચ્યો ઇતિહાસ, ભારતને મળ્યો વધુ એક મેડલ
દાહોદની દીકરી તેજલબહેન ડામોરે એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
જાપાનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સ-2026માં ગુજરાતના દાહોદની દૃષ્ટિબાધિત દોડવીર તેજલબેન ડામોરે 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જેની સાથે ભારતનો એશિયન પેરાગેમ્સમાં દબદબો વધ્યો છે, જ્યારે કૂલ મેડલમાં ભારત પાંચમા ક્રમે રહ્યું છે. જાપાનના આઇચી-નાગોયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ-2026માં ગુજરાતની દાહોદની દૃષ્ટિબાધિત દોડવીર તેજલબેન અમરજી ડામોરે મહિલા 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં પોતાના શ્રેષ્ઠ સમય સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી સિદ્ધિ હાંસલ કરી છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના ગાંધીનગર સ્થિત નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સમાં તાલીમ લઈ રહેલા 24 વર્ષના તેજલબેને હીટ્સમાં 25.25 સેકન્ડનો સમય નોંધાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અગાઉ સપ્ટેમ્બર 2026માં દુબઈ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં તેણે 25.47 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તેજલબેને પોતાની સફળતાનો શ્રેય કોચ નીતિન ચૌધરીને આપતાં જણાવ્યું હતું કે, આ મેડલ પાછળ કોચની સતત મહેનત, શિસ્ત અને માર્ગદર્શનનો મોટો ફાળો છે.
સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાંથી આગળ આવેલી તેજલબેને 2022માં પેરા એથ્લેટિક્સની શરૂઆત કરી હતી. વર્ષ 2025ની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં છઠ્ઠું સ્થાન મેળવ્યા બાદ તેણે 2026ની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને દુબઈ ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.
કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ACTC યોજના હેઠળ તેજલબેનની રમતગમતની તૈયારી માટે રૂ. 2,05,961ની નાણાકીય સહાય આપવામાં આવી છે. જ્યારે SAI ગાંધીનગર ખાતે તેને કોચિંગ, રમતગમતની સુવિધાઓ અને જરૂરી માળખાકીય સહયોગ પૂરો પાડવામાં આવે છે.
તેજલબેનની મુખ્ય સ્પર્ધા 400 મીટર T12 છે, હવે આયોજિત થશે. 200 મીટરમાં મળેલા મેડલથી આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાવી તેજલબહેને આગામી સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી હતી. તેજલબહેન દાહોદમાં દૃષ્ટિબાધિત બાળકો માટે દોડનો વિશેષ ટ્રેક બનાવવાનું સ્વપ્ન સેવે છે. એશિયન પેરાગેમ્સના આજે ત્રીજા દિવસે ભારત ગઈકાલે છઠ્ઠા ક્રમેથી પાંચમા સ્થાને રહ્યું છે. ભારતના કેમ્પમાં કૂલ 47 મેડલ થયા છે, જેમાં 12 ગોલ્ડ, 17 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ મળ્યા છે.
