Desk Job Health Risks: કલાકો સુધી ખુરશી પર બેસી રહેવાની આદત શરીરને બનાવી રહી છે બીમાર!
આજના આધુનિક વર્ક કલ્ચરમાં મોટા ભાગના લોકો દિવસના આઠથી દસ કલાક ડેસ્ક પર ખુરશીમાં બેસીને વિતાવે છે. સતત સ્ક્રીન સામે એક જ સ્થિતિમાં બેસી રહેવાથી શરીરની ગતિશીલતા ઘટી જાય છે, જેને તબીબી ભાષામાં સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કહેવાય છે. શરૂઆતમાં સામાન્ય લાગતો પીઠ કે ગરદનનો દુખાવો સમય જતાં ગંભીર ક્રોનિક બીમારીઓનું રૂપ લઈ શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી થતા નુકસાન અને તેમાંથી બચવા માટેની સરળ ટિપ્સ નીચે મુજબ છે.
સતત બેસી રહેવાથી શરીર પર થતી વિપરીત અસરો
સતત બેસી રહેવાથી ઘૂંટણ, કમર અને થાપાના સાંધા પર સતત દબાણ રહે છે, જેના કારણે સાંધાનું કુદરતી લુબ્રિકેશન ઘટે છે અને સાંધાનો દુખાવો (જોઈન્ટ પેઈન) શરૂ થાય છે. અયોગ્ય પોશ્ચર (વાંકા વળીને બેસવું) ને કારણે કરોડરજ્જુ પર વધારાનો ભાર પડે છે. તેનાથી સ્લિપ ડિસ્ક, સાયટિકા અને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસનું જોખમ વધી જાય છે.
પગ લાંબા સમય સુધી નીચે લટકતા રહેવાથી રક્ત પરિભ્રમણ ધીમું પડે છે, જેનાથી પગમાં સોજા આવવા અથવા ડીપ વેઈન થ્રોમ્બોસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. શારીરિક હલનચલન ન હોવાને કારણે કેલરી બર્ન થતી નથી, જે વજન વધવું, ટાઇપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગનું મુખ્ય કારણ બને છે.
ઓફિસમાં કામ કરતી વખતે રાખવાની સાવચેતી અને ટિપ્સ
. 20-20-20 નિયમ અને શોર્ટ બ્રેક: દર 45થી 60 મિનિટે તમારી સીટ પરથી ઊભા થાઓ. 2થી 3 મિનિટ હળવું વૉક કરો અથવા સ્ટ્રેચિંગ કરો.
. રિયલ પોઝિશન: બેસતી વખતે પીઠ એકદમ સીધી રાખો. સ્ક્રીન તમારી આંખોના લેવલ પર હોવી જોઈએ જેથી ગરદન ઝૂકાવવી ન પડે. પગ હંમેશાં જમીન પર સપાટ રહેવા જોઈએ.
. ડેસ્ક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ: ખુરશી પર બેઠા-બેઠા જ ગરદનને ગોળાકાર ફેરવવી, ખભા ઉંચા-નીચા કરવા અને પગના પંજા આગળ-પાછળ હલાવવા જેવી હળવી કસરતો કરો.
. હાઇડ્રેશન: દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો. આનાથી શરીર હાઇડ્રેટેડ રહેશે અને વારંવાર પાણી ભરવા કે વોશરૂમ જવાના બહાને કુદરતી રીતે હલનચલન પણ થશે.
. સીડીઓનો ઉપયોગ: ઓફિસમાં લિફ્ટને બદલે શક્ય હોય ત્યાં સુધી સીડીઓ ચઢવાની ટેવ પાડો.
