આધાર કાર્ડ વાપરતાં પહેલાં તાત્કાલિક ચેક કરી લો આ બાબતો! નાની ભૂલ પણ કરાવી શકે છે મોટું આર્થિક નુકસાન
આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ ભારતનું સૌથી મહત્વપૂર્ણ ઓળખપત્ર (ID Proof) બની ગયું છે. બેંકમાં નવું ખાતું ખોલાવવું હોય, સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, નવું સિમ કાર્ડ ખરીદવું હોય કે પછી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું હોય—દરેક નાની-મોટી પ્રક્રિયામાં આધાર અનિવાર્ય છે. આધારનો ઉપયોગ સતત અને વ્યાપક થતો હોવાથી તેમાં નોંધાયેલી તમામ વિગતો સાચી, અદ્યતન અને સુરક્ષિત રહે તે અત્યંત જરૂરી છે.
ઘણા નાગરિકો વર્ષો સુધી આધાર કાર્ડ અપડેટ કે વેરિફાય કર્યા વગર જ વાપરતા રહે છે, જેના કારણે છેતરપિંડી કે વેરિફિકેશન રિજેક્ટ થવાની મોટી સમસ્યાઓ ઊભી થાય છે. સાયબર ફ્રોડથી બચવા અને કોઈપણ મુશ્કેલી વિના સેવાઓ મેળવવા માટે દરેક નાગરિકે તાત્કાલિક આ ૬ બાબતો ચકાસી લેવી જોઈએ.
આધાર સાથે લિંક મોબાઇલ નંબરની ચકાસણી
આધાર સાથે રજિસ્ટર્ડ થયેલો મોબાઇલ નંબર સૌથી મહત્વની કડી છે, કારણ કે તમામ સત્તાવાર ટ્રાન્ઝેક્શન અને વેરિફિકેશન એટીપી આ નંબર પર જ આવે છે. જો તમે જૂનો નંબર બદલી નાખ્યો હોય કે બંધ થઈ ગયો હોય, તો તાત્કાલિક નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને નવો નંબર અપડેટ કરાવો, જેથી કોઈ અજાણી વ્યક્તિ તમારા ઓટીપીનો દુરુપયોગ ન કરી શકે.
પર્સનલ ડિટેઈલ્સ વેરિફાય કરો
કાર્ડમાં તમારું પૂરું નામ, પિતા/પતિનું નામ, જન્મતારીખ અને ઘરનું સરનામું બરાબર ચેક કરો. નાની સ્પેલિંગ મિસ્ટેક પણ પાસપોર્ટ, બેંક કે સરકારી સહાય મેળવતી વખતે મોટી અડચણ બની શકે છે. કોઈ ભૂલ જણાય તો સત્તાવાર પોર્ટલ (myAadhaar) પરથી ઓનલાઇન સુધારી શકાય છે.
દરેક જગ્યાએ અસલી આધાર શેર કરવાથી બચો
તમારું આધાર કાર્ડ કોઈપણ અજાણી વ્યક્તિ, અપ્રમાણિત હોટલ કે શંકાસ્પદ વેબસાઇટ પર બેધડક શેર કરશો નહીં. કોઈ સંસ્થા કે દુકાનદાર કાર્ડની નકલ માંગે ત્યારે ખાતરી કરો કે શું ખરેખર કાયદાકીય રીતે આધાર કાર્ડ જરૂરી છે કે અન્ય કોઈ આઈડી પ્રૂફ (જેમ કે વોટર આઈડી કે ડ્રાઇવિંગ લાયસન્સ) ચાલી શકે તેમ છે.
સુરક્ષા માટે ‘માસ્ક્ડ આધાર’નો ઉપયોગ કરો
પ્રથમ ૮ આંકડા છુપાયેલા રહેશે: માસ્ક્ડ આધાર એક અત્યંત સુરક્ષિત વિકલ્પ છે, જેમાં આધારના આગળના આઠ આંકડા ક્રોસ (xxxx-xxxx) સ્વરૂપે ઢંકાઈ જાય છે અને માત્ર છેલ્લાં ચાર આંકડા જ દેખાય છે. જ્યાં માત્ર સામાન્ય ઓળખ કે સરનામાની ખાતરી આપવાની હોય ત્યાં UIDAI ની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું માસ્ક્ડ આધાર જ આપવાનો આગ્રહ રાખો.
સમયાંતરે ‘ઓથેન્ટિકેશન હિસ્ટ્રી’ તપાસો
જો તમને સહેજ પણ શંકા હોય કે તમારા આધારનો કોઈ ખોટી જગ્યાએ દુરુપયોગ થયો છે, તો યુઆઈડીએઆઈ (UIDAI) પોર્ટલ પર લોગ ઈન કરીને છેલ્લા છ મહિનાની ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ચેક કરી શકો છો. આ હિસ્ટ્રીમાં જોઈ શકાય છે કે તમારો આધાર ડેટા કે ઓટીપી કઈ તારીખે, કેટલા વાગે અને કઈ એજન્સી દ્વારા વેરિફાય કરવામાં આવ્યો હતો.
આધાર ઓટીપી બાબતે રહો સંપૂર્ણ સતર્ક
કોઈપણ અજાણ્યા કોલર કે મેસેજ કરનાર સાથે તમારો આધાર ઓટીપી ક્યારેય શેર કરશો નહીં. સાયબર ઠગ ઘણીવાર બેંક અધિકારી, પોલીસ કે સરકારી એજન્સીના નામે ડરાવીને ઓટીપી માંગે છે. યાદ રાખો કે કોઈપણ સરકારી કે બેંકિંગ સંસ્થા ક્યારેય ફોન પર ઓટીપી માંગતી નથી. જો કોઈ દબાણ કરે તો તાત્કાલિક કોલ કટ કરી સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવો.
