જૈન તીર્થ પાલીતાણામાં યાત્રાળુઓની સુરક્ષા માટે મોટો નિર્ણય: શેત્રુંજય પર્વત બનશે ‘સાયલન્ટ ઝોન’, વન મંત્રીની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
palitana-shetrunjay-hill-lion-safety-meeting-gandhinagar
ડ્રોન, કેબિન અને ટ્રેકિંગ સાથે શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓ અને સિંહો બંને રહેશે સુરક્ષિત

ગાંધીનગરઃ ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં આવેલ પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઇ સિંહોની અવર-જવર જોવા મળે છે. જેના ભાગરૂપે પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર સિંહોની હાજરીથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં તેમ જ રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનો સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.
શૈત્રુંજય પર્વત પર દર વર્ષે પગપાળા યાત્રા કરતાં હજારો યાત્રાળુઓને સિંહ સહિતના વન્ય જીવોથી સુરક્ષિત કરવા માટે વન વિભાગના કર્મયોગીઓ ખડે પગે રહીને સતત સેવા આપી રહ્યા છે.
વન વિભાગની કામગીરીને જૈન સમાજ દ્વારા બિરદાવવામાં આવી
શેત્રુંજય પર્વત પર ગત ફાગણ ફેરીમાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરીને જૈન સમાજ દ્વારા મેસેજ કરીને બિરદાવવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતાં વન મંત્રીએ કહ્યું હતું કે, પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન ટેકનોલોજી દ્વારા રાત-દિવસ સતત નિરિક્ષણ, ૦૪ પ્રા-ફેબ્રિકેટેડ વોચ ટાવર, ૦૪ પ્રા-ફેબ્રિકેટેડ સેન્ટર કમ કેબિન તેમજ સતત ટ્રેકિંગ- સ્કેનિંગ દ્વારા સિંહોની અવર-જવર ઉપર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.
સુરક્ષા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે
આ વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવા માટે પણ વિચારણા કરવામાં આવશે. સિંહોના ટ્રેકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સિવાય પર્યાવરણને ધ્યાનમાં રાખીને યાત્રા માર્ગનું સમારકામ પણ કરવામાં આવશે જેથી યાત્રાળુઓને ચાલવામાં વધુ સુગમતા રહે. આ તમામ વ્યવસ્થા-સુવિધાઓ આગામી સમયમાં સુનિશ્ચિત કરવા સરકારે વન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
સિંહોને રંજાડવાને કારણે હુમલાનો ભોગ બને છે આમ જનતા
વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં વિહરતા સિંહોનું પૂનમ અવલોકન-વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સિંહની પ્રકૃતિ મુજબ કોઇ દિવસ સામેથી મનુષ્ય ઉપર હુમલો કરતો નથી પરંતુ તેને રંજાડવાથી જ તે હુમલો કરે છે. વન્ય પ્રાણીઓના હિતમાં તેમજ સુરક્ષાના કારણોસર યાત્રાળુઓ સવારે સૂર્યોદય પછી યાત્રા શરૂ કરે અને સાંજે સૂર્યાસ્ત પહેલા પોતાની યાત્રા પૂર્ણ કરે તે હિતાવહ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વન્યજીવોને કોઇ પણ પ્રકારની કનડગત પહોંચે નહીં તકેદારી રાખો
આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનોએ કહ્યું હતું કે, પર્યાવરણ અને વન્ય જીવના જતન માટે અમારો હંમેશા વન વિભાગ સાથે સારો અને હકારાત્મક અનુભવ રહ્યો છે. અમે હંમેશા યાત્રાળુઓને શિસ્ત અને શાંતિથી યાત્રા પૂર્ણ કરવા આગ્રહ કરતા હોઇએ છીએ જેથી વન્યજીવોને કોઇ પણ પ્રકારની કનડગત પહોંચે નહીં. જ્યારે પણ જરૂર પડે ત્યારે વન વિભાગના અધિકારી અને કર્મયોગીઓ મદદ માટે હંમેશા તૈયાર હોય છે.
છ ગાઉ યાત્રા વગેરે વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી
વન વિભાગ દ્વારા આ સંદર્ભે કરવામાં આવનાર કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકજાગૃતિ અને સંકલન, વન અને વન્ય જીવ સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને હેબિટાટ મેનેજમેન્ટ, માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રેકિંગ-સ્કેનિંગ, પ્રા-ફેબ્રિકેટેડ વોચ ટાવર, સિડી સાથે પ્રા-ફેબ્રિકેટેડ સેન્ટર કમ કેબિન, માનવ સંશાધન અને સશક્તીકરણ , ડ્રોન ટેકનોલોજી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી, સાયલન્ટ ઝોન તેમજ વિશેષ કામગીરીમાં છ ગાઉ યાત્રા વગેરે વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
