મુસાફરો માટે ખુશખબર: GSRTC દૈનિક પાસ યોજનામાં સુધારો, અઢી લાખથી વધુ લોકોને થશે સીધો ફાયદો
હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ GSRTC નો લોકહિતલક્ષી નિર્ણય; માસિક પાસ માટે ૧૮ ના બદલે હવે માત્ર ૧૫ દિવસનું જ ભાડું ચૂકવવું પડશે
રાજ્યમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી ૫૦ ટકા સુધી કરવામાં આવી છે.
હવે માત્ર ૧૫ દિવસનું ભાડું કરવામાં આવ્યું
મુસાફરોના હિતમાં નિગમે પાસ યોજનાના માળખામાં ફેરફાર કર્યો છે, જેનાથી મુસાફરોને ભાડામાં ૫૦ ટકા સુધીની સીધી આર્થિક રાહત પ્રાપ્ત થશે.
અગાઉ માસિક પાસ માટે મુસાફરે ૧૮ દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જેને ઘટાડીને હવે માત્ર ૧૫ દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે માત્ર ૧૫ દિવસના ભાડામાં પૂરા ૩૦ દિવસ મુસાફરી કરી શકાશે.

૯૦ દિવસ સુધી મુસાફરીનો લાભ મેળવી શકાશે
ત્રિમાસિક પાસ ધારકો માટે અગાઉ ૫૪ દિવસનું ભાડું લેવાતું હતું, જેના સ્થાને હવે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવીને સતત ૯૦ દિવસ સુધી મુસાફરીનો લાભ મેળવી શકાશે.
નિગમ દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી દૈનિક ધોરણે મુસાફરી કરતા આશરે ૨.૫ લાખથી વધુ નોકરિયાતો અને નાના-મોટા વ્યવસાયી વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે. સાથે જ મુસાફરો નિગમની સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરાશે. પ્રવાસીઓ વધુ વિગત માટે ખાસ કરીને ગુજરાત એસટીની વેબસાઈટ (https://gsrtc.in/site/) પર કરી શકે છે.
અહીં એ જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રોજના આશરે 8,000થી વધુ બસો દોડાવવામાં આવે છે, જે રોજની આશરે 35,000 ટ્રિપ્સ દ્વારા અંદાજે 33 લાખ કિલોમીટરનું અંતર કાપે છે અને 27 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે.
