અરવલ્લી પર્વતમાળાનું સંરક્ષણ કેમ અનિવાર્ય છે? જાણો કરોડો વર્ષ જૂનો ઈતિહાસ અને મહત્વ
હિમાલય કરતા પણ પ્રાચીન એવી અરવલ્લી પર્વતમાળા કેવી રીતે રણને આગળ વધતું અટકાવે છે અને પર્યાવરણ માટે લાઈફલાઈન છે

ગયા વર્ષે દેશમાં સૌથી વધારે જો કોઈ મુદ્દો ચર્ચામાં રહ્યો હોય તો કદાચ અરવલ્લી છે. અસંખ્ય કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી સર્વોચ્ચ ન્યાયાલયે પોતે જ આપેલા ચુકાદાને સુઓ મોટો લઈને એના પર સ્ટે આપવો પડ્યો. પર્યાવરણશાસ્ત્રીઓ અને અન્ય સંસ્થાઓના વિરોધને કારણે 100 મીટરની ઊંચાઈની ટેકરીઓને પર્વતમાળામાં ગણવાની બાબત પર સ્ટે આપ્યો હતો, પણ સરકાર યા વિકાસના નામે જે બણગા ફૂંકવામાં આવી રહ્યા છે એના પર સુપ્રીમ કોર્ટે ઠંડુ પાણી રેડી દીધું છે. કોર્ટે કહ્યું હતું કે સમિતિની ભલામણો અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટના નિષ્કર્ષો સ્થગિત કરે છે. આ કેસની સુનાવણી 21મી જાન્યુઆરીના થશે.
સરકારને વિકાસના નામે કદાચ પૈસા ઊભા કરવા છે કે પર્યાવરણનું વધારે જતન કરવાનો મનસૂબો હોઈ શકે છે, પરંતુ હકીકતમાં આ વિરાસત-ધરોહરને ગુમાવીને શું મળશે એનો જવાબ ન તો સરકાર પાસે હતો કે સુપ્રીમ કોર્ટ પાસે પણ. વાત એના ઈતિહાસ અને મહત્ત્વની કરીએ. એના મહત્ત્વની સાથે ઈતિહાસ અને નામકરણ પરથી પડદો ઊઠાવીએ.
અરવલ્લી અઢી અબજ વર્ષ પ્રાચીન છે
અરવલ્લી પર્વતમાળાનું નિર્માણ પ્રોટેરોઝોઈક યુગ એટલે લગભગ 2.5થી 3.2 અબજ વર્ષ પહેલા થયું છે. પર્વતમાળાની બીજી ઓળખ આપીએ તો હિમાલય કરતા પ્રાચીન છે, જે વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંથી એક છે. અરવલ્લીનું નામ પણ સંસ્કૃતમાંથી પડ્યું છે. આરા એટલે પર્વત યા શિખર તેમ જ વાલી એટલે પંક્તિ અથવા સાંકળ માનવામાં આવે છે. એટલે પર્વતમાળાની લાંબી હરોળ છે. ટૂંકમાં અવરલ્લીનું નામ પર્વતમાળાની લાંબી સાંકળ જેવી પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. આ પર્વતમાળા જ નથી, પરંતુ ભારતને કુદરતી આપેલી એક બક્ષિશ અથવા મજબૂત દીવાલ પણ છે, જે રણને અટકાવે છે, જ્યારે મહાનદીઓ પૈકીની લુની અને બનાસ જેવી નદીનું ઉદ્ભવ સ્થાન પણ છે.
વિસ્તાર કેટલો ધરાવે છે
અરવલ્લી પર્વતમાળાના વિસ્તારની વાત કરીએ તો દિલ્હીથી લઈને ગુજરાતના પાલનપુર સુધી વિસ્તરેલો છે. લગભગ 700 કિલોમીટરની રેન્જ ધરાવતી અરવલ્લી પર્વતમાળામાં કુદરતી સંસાધનો ધરબાયેલા છે, જ્યારે હજારો વન્યજીવોનો પણ વસવાટ રહેલા છે. ઉપરાંત, ખનીજ સંસાધનોમાં ખાસ કરીને માર્બલ, જસત, તાંબુ અને અન્ય ખનિજ પણ છે. અરવલ્લી ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ પર્યાવરણીય સંપત્તિ માનવામાં આવે છે, જે ચાર રાજ્યમાંથી પસાર થાય છે.
અરવલ્લી ઈકોલોજિકલ બફર
જો અરવલ્લીનું રક્ષણ થયું નહીં તો દિલ્હી-ગુજરાત સુધી જોખમ ઊભું થશે, જે હકીકતમાં ઈકોલોજિકલ બફર માનવામાં આવે છે. ઈકોલોજિકલ બફરમાં હવાની ગુણવત્તા, પવનની પેટર્ન અને ભૂગર્ભજળને પણ રિચાર્જ કરે છે. આ ત્રણેય બાબત શહેરી સ્થિતિના નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અરવલ્લીના જંગલો અને વન્યજીવનને ટેકો આપે છે તેમ જ લાખો નાગરિકોને શ્વાસ લેવાની હવા પૂરી પાડે છે, જે ઉત્તર ભારતની લાઈફલાઈન છે. આ પર્વતમાળા થાર રણની રેત, ગરમી અને ઘૂળની ડમરી, તોફાનોને અટકાવે છે.
