બ્લૂટૂથ વિશેની આ વાતો છે સાવ ખોટી! જાણો શું છે સત્ય અને શું છે માત્ર અફવા…

અત્યારનો સમય ડિજિટલ અને ટેક્નોલોજીનો છે. એમાં પણ બ્લૂટૂથ જેવી ટેક્નોલોજીએ તો આપણા જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક ભ્રામક વાતો પણ સમાજમાં પ્રચલિત છે. બ્લૂટૂથ સાથે જોડાયેલા કેટલાક મિથ્ય અને તેની પાછળની સાચી હકીકત શું છે એ વિશે આ સ્ટોરીમાં વાત કરીશું.
આપણામાંથી અનેક લોકો એવું માને છે કે બ્લૂટૂથ ઇયરબડ્સનો ઉપયોગ કરવાથી બ્રેન કેન્સર થઈ શકે છે. જોકે, સત્ય એ છે કે બ્લૂટૂથ ડિવાઇસમાંથી રેડિયેશન ચોક્કસપણે નીકળે છે, પરંતુ આ રેડિયેશનને કારણે કેન્સર જેવી જીવલેણ બીમારી થાય છે તેવા કોઈ પુરાવા હજી સુધી મળ્યા નથી, એટલે આ માન્યતા પણ એક મિથ્ય જ છે.
બ્લૂટૂથ ઈયરબડ્સ નોન-આયોનાઇઝિંગ રેડિયેશન છોડે છે, જેમાં હ્યુમન સેલને નુકસાન પહોંચાડવાની ક્ષમતા હોતી નથી. વાઈફાઈ અને રેડિયો તરંગો પણ આ પ્રકારના જ રેડિયેશન છોડે છે અને અત્યાર સુધી આને કારણે મગજ પર કોઈપણ પ્રકારની ખરાબ અસર પડતી હોવાના પુરાવા મળ્યા નથી.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાથી બેટરી ઝડપથી ઉતરી જાય છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી નથી. બ્લૂટૂથ ચાલુ રાખવાથી બેટરીનો વપરાશ ખૂબ જ ઓછો થાય છે. એક જૂના પરીક્ષણ મુજબ, 26 કલાક સુધી સતત બ્લૂટૂથ ચાલુ રાખવા છતાં બેટરીમાં માત્ર 1.8 ટકાનો જ ઘટાડો થયો હતો. અત્યારે બ્લૂટૂથના જે નવા વર્ઝન ઉપલબ્ધ છે તે તો તેનાથી પણ ઓછી બેટરી વાપરે છે. જોકે, સુરક્ષાની દ્રષ્ટિએ સતત બ્લૂટૂથ ઓન રાખવાથી ‘બ્લૂજેકિંગ’ જેવા જોખમો રહી શકે છે.
ઘણીવાર લોકો ફરિયાદ કરતા હોય છે કે બ્લૂટૂથ ડિવાઇસની રેન્જ ખૂબ જ ઓછી હોય છે અને થોડા દૂર જતા જ કનેક્શન તૂટી જાય છે. વાસ્તવમાં સ્માર્ટફોન અને હેડફોનમાં બેટરી બચાવવા માટે ‘બ્લૂટૂથ ક્લાસ 2’ નો ઉપયોગ થાય છે, જેની રેન્જ આશરે 33 ફીટ સુધીની હોય છે. પરંતુ ‘બ્લૂટૂથ ક્લાસ 1’ નામનું બીજું સ્ટાન્ડર્ડ પણ અસ્તિત્વમાં છે, જેનો ઉપયોગ ઔદ્યોગિક લેપટોપ અને રોબોટિક્સ સિસ્ટમમાં થાય છે. આ ટેક્નોલોજીની રેન્જ 300 ફીટ કરતા પણ વધારે હોઈ શકે છે..
