દશેરા નિમિત્તે નાગપુરમાં મોહન ભાગવતે કર્યું શસ્ત્રપૂજનઃ કહ્યું સત્તા પરિવર્તન આજેય નહીં અને આવતીકાલે નહીં…
વિજયાદશમી ઉત્સવમાં સંઘ પ્રમુખે સંત રવિદાસના યોગદાન, સ્વદેશી વિચારધારા અને યુવા પેઢીમાં વધતા નશા સામે જાગૃતિ લાવવા આહવાન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષ વિજયાદશમીના ઉત્સવ અને શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આજે નાગપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં શસ્ત્રપૂજન કર્યું હતું. સંઘમાં દશેરાના તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજનની પરંપરા અન્વયે શસ્ત્રપૂજન કર્યું હતું. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે બંગાળના રાજ નારાયણ બસુનો ઉલ્લેખ કર્યો હતો, જેમના જન્મના 200 વર્ષ પૂરા થયા ત્યારે તેમણે કહ્યું કે સમાજમાં સ્વદેશી મેળા મારફત લોકો પોતાની સંસ્કૃતિ અને ઓળખ પ્રત્યે જાગૃક કરવા માટે રાજ નારાયણ બસુએ હિન્દુ તહેવાર-મેળાની શરુઆત કરી હતી.
સંત રવિદાસે લોકોનું મનોબળ વધાર્યું હતું
આરએસએસના વિજયાદશમીના કાર્યક્રમ વખતે ભાગવતે સંત રવિદાસના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે વિદેશી આક્રમણખોરોના હુમલાનો સામનો કર્યો હતો ત્યારે લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા હતા. એ વખતે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો, ત્યારે સંત રવિદાસે સ્વધર્મ પ્રત્યે નિષ્ઠા, સામાજિક સમરસતા અને ભક્તિનો સંદેશ આપ્યો હતો. આરએસએસ પ્રમુખના જણાવ્યાનુસાર સંત રવિદાસનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે તેમણે સમાજને સાંત્વના આપી અને લોકોનું મનોબળ વધાર્યું હતું.
પોતાની ઓળખ અને સ્વદેશી ચીજ અપનાવો
મોહન ભાગવતે કહ્યું કે આરએસએ છેલ્લા 100 વર્ષમાં ભારતમાં પોતાની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરાના આધારે સંગઠિત થઈને વધુ મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. ભાગવતે સ્વદેશી અપનાવવાના ઉલ્લેખની સાથે સંઘની શતાબ્દી વર્ષમાં જે પાંચ મુખ્ય પરિવર્તન પર ભાર મૂક્યો હતો, જેમાં પોતાની ઓળખ અને સ્વદેશી ચીજ અપનાવવાની વાત કરી હતી.
આજેય નહીં અને કાલેય નહીં સત્તા પરિવર્તન
કાર્યક્રમમાં મોહન ભાગવતે ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક તરફ પશ્ચિમમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે દરેક પ્રકારની ભદ્રતા, વ્યવસ્થા, સંસ્કારનો વિરોધ કરે છે અને નષ્ટ કરવા ઈચ્છે છે. અત્યારે ફ્રાન્સમાં શું થઈ રહ્યું છે. આલ્બેનિયામાં શું થયું છે. નેપાળ, બાંગ્લાદેશમાં પણ શું થયું હતું. તેઓ કહે છે કે સત્તા પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, પરંતુ એવું થયું નથી. આમ પહેલા પણ થયું નહોતું અને આજે પણ થશે નહીં. સીજેપી અને કોંગ્રેસના પ્રદર્શન વખતે સત્તા પરિવર્તનની વાતો કરનારા લોકોને પણ ભાગવતે આડકતરી રીતે મેસેજ આપ્યો હતો.
ભારત વિવિધતાનો દેશ
કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારત વિવિધતાવાળો દેશ છે. ભારત માતાનું સર્વોચ્ચ સ્થાન છે. દેશમાં અલગ અલગ પંથ, પ્રાંત, જાતિઓ, ભાષાઓ, ખાણીપીણી અને રીતિ-રિવાજ છે, પરંતુ સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. ભાગવતે કહ્યું કે દેશ પહેલા પણ એક થઈને આગળ વધ્યો છે અને ભવિષ્યમાં પણ એકતાની સાથે આગળ વધતો રહેશે. અહીં ડ્રગ્સ નાબૂદી મુદ્દે તેમણે કહ્યું કે આજની પેઢી નશાની આદિ બની રહી છે, પણ એના ગંભીર પરિણામો છે, તેથી માતાપિતા-વડીલોએ જ એના અંગે યોગ્ય શીખામણ આપવી પડશે.
