સાયબર ફ્રોડ અને ઓનલાઈન ટ્રેકિંગથી ડેટા રાખવો છે સુરક્ષિત? સ્માર્ટફોનમાં બદલો 6 મહત્વની સેટિંગ્સ
ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે આપણે જે નાની-નાની પ્રવૃત્તિઓ કરીએ છીએ તેના પર સતત કોઈની નજર રહેતી હોય છે. આજકાલ વેબસાઇટ્સ કૂકીઝ, ટ્રેકિંગ પિક્સેલ્સ અને ડિવાઇસ આઇડેન્ટિફિકેશન ટેકનોલોજી દ્વારા યુઝર્સની ડિજિટલ મુવમેન્ટ્સ ટ્રેક કરતી રહે છે. ઘણા લોકો એવું માને છે કે માત્ર હિસ્ટ્રી ડિલીટ કરવાથી કે ‘ઇનકોગ્નિટો/પ્રાઇવેટ મોડ’ વાપરવાથી ટ્રેકિંગ સંપૂર્ણ બંધ થઈ જાય છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે.
ફોનની એપ પરમિશન્સ અને અસુરક્ષિત ઇન્ટરનેટ કનેક્શન વ્યક્તિગત ડેટાને હેકર્સ સુધી પહોંચાડવાનું મોટું જોખમ ઊભું કરે છે. આ સાયબર જોખમોથી બચવા માટે સ્માર્ટફોન અને બ્રાઉઝરમાં કેટલીક જરૂરી સેટિંગ્સ બદલવી અનિવાર્ય છે.
નિયમિત કૂકીઝ ક્લિયર કરો અને પ્રાઈવસી સર્ચ એન્જિન વાપરો
મોટાભાગની વેબસાઇટ્સ કૂકીઝ દ્વારા સર્ચિંગ અને શોપિંગ ડેટા એકત્રિત કરે છે. સમયાંતરે બ્રાઉઝરની કેશ અને કૂકીઝ ડિલીટ કરતાં રહો. ગૂગલ જેવા સામાન્ય સર્ચ એન્જિન સિવાય પ્રાઇવસી-ફોકસ્ડ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કરો. બ્રાઉઝિંગ પૂરું થયા પછી જે-તે અકાઉન્ટમાંથી લોગઆઉટ થવાની આદત કેળવો અને ફોનમાંથી બિનજરૂરી એપ્સ અનઇન્સ્ટોલ કરો.
પબ્લિક વાઈ-ફાઈ પર બેંકિંગ ટ્રાન્ઝેક્શન ટાળો
રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોટેલ કે કેફેમાં મળતું ફ્રી પબ્લિક વાઈ-ફાઈ (Public Wi-Fi) ખૂબ સુવિધાજનક લાગે છે, પરંતુ સાયબર સુરક્ષાની દ્રષ્ટિએ તે અત્યંત જોખમી છે. ફ્રી વાઇ-ફાઇ પર ક્યારેય નેટ બેંકિંગ, યુપીઆઈ પેમેન્ટ કે ક્રેડિટ કાર્ડથી ખરીદી ન કરવી જોઈએ. નાણાકીય વ્યવહારો માટે હંમેશાં પોતાના પર્સનલ મોબાઇલ ડેટાનો જ ઉપયોગ કરવો.
VPN અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગનો ઉપયોગ
વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) ઇન્ટરનેટ કનેક્શનને એન્ક્રિપ્ટ કરવામાં અને તમારું અસલી IP એડ્રેસ છુપાવવામાં મદદ કરે છે. જોકે, વિશ્વસનીય કંપનીનું VPN વાપરવું અને તેની પ્રાઇવસી પોલિસી ચકાસવી જરૂરી છે. ખાનગી વાતચીત અને મહત્વના દસ્તાવેજોની આપ-લે માટે હંમેશાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ અને ક્લાઉડ સ્ટોરેજનો જ આગ્રહ રાખવો.
લોકેશન ટ્રેકિંગ અને બ્લૂટૂથ ૨૪ કલાક ચાલુ ન રાખો
ઘણા લોકોના ફોનમાં જીપીએસ લોકેશન, બ્લૂટૂથ અને વાઇ-ફાઇ કનેક્શન સતત ઓન રહે છે. આ આદતના કારણે એપ્સ બેકગ્રાઉન્ડમાં સતત તમારું રિયલ-ટાઇમ લોકેશન ટ્રેક કરે છે. માત્ર જરૂર પડે ત્યારે જ લોકેશન ચાલુ કરો અને એપ્સની સેટિંગ્સમાં જઈને ‘Only while using the app’ પરમિશન સેટ કરો. ઉપરાંત ફોનનું ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સ હંમેશાં અપડેટ રાખો.
દરેક જગ્યાએ એક જ ઇમેઇલ અને પાસવર્ડ વાપરવાનું બંધ કરો
દરેક સોશિયલ મીડિયા, શોપિંગ સાઇટ અને એપ પર એક જ ઇમેઇલ આઇડી તથા પાસવર્ડ વાપરવાથી હેકર્સ માટે એકાઉન્ટ્સ લિંક કરવાનું સરળ બની જાય છે.
મહત્વના બેંકિંગ એકાઉન્ટ્સ માટે અલગ ઇમેઇલ આઇડી રાખો.
પાસવર્ડમાં અક્ષરો, કેપિટલ-સ્મોલ લેટર્સ, સ્પેશિયલ કેરેક્ટર્સ અને નંબરોનું મજબૂત સંયોજન રાખો.
સ્ક્રીન લોક, સ્ટોરેજ એન્ક્રિપ્શન અને ઓટો-લોક સેટિંગ
ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ડેટા સુરક્ષિત રાખવા માટે ડિવાઇસનું સ્ટોરેજ એન્ક્રિપ્શન હંમેશાં ઓન રાખો. સ્ક્રીન ટાઇમ-આઉટ એકથી પાંચ મિનિટની અંદર ઓટો-લોક થઈ જાય તેવું સેટિંગ રાખો. અજાણ્યા સ્ત્રોત કે વોટ્સએપ પર આવતી શંકાસ્પદ લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરો અને અજાણી ફાઇલો ડાઉનલોડ કરવાનું ટાળો.
