હોસ્પિટલ કે અકસ્માતનું બહાનું બનાવી ખાલી થઈ રહ્યા છે બેંક એકાઉન્ટ! તમને પણ તો નથી આવ્યો ને આવો કોલ?
તમારા ફોન પર અજાણ્યા નંબર પરથી રિંગ વાગે છે. કૉલ રિસીવ કરતાં જ સામેથી તમારા પિતા, ભાઈ, બહેન કે કોઈ ખાસ મિત્રનો ગભરાયેલો અવાજ સંભળાય છે કે મારો ભયાનક એક્સિડન્ટ થયો છે અથવા હું મોટી મુશ્કેલીમાં ફસાયો છું, તરત પૈસા મોકલી આપો. પોતાના સ્વજનનો આવો રડમસ અવાજ સાંભળીને કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય અને વિચાર્યા વગર તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી દે તે સ્વાભાવિક છે.
પરંતુ સામે વાત કરનાર વ્યક્તિ તમારો કોઈ સંબંધી નહીં પણ સાયબર ગુનેગાર હોઈ શકે છે. આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી લોકોનો આબેહૂબ અવાજ ક્લોન કરીને છેતરપિંડી કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. દેશમાં ઝડપથી વધી રહેલા આ AI વોઇસ સ્કેમને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ટેલિકોમ વિભાગે નાગરિકો માટે મહત્વની સેફ્ટી એડવાઇઝરી જારી કરી છે.
સાયબર ઠગો હવે હાઇટેક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ઓડિયો કે વીડિયોમાંથી વોઈસ સેમ્પલ લઈને AI ટૂલ્સની મદદથી કોઈપણ વ્યક્તિના અવાજની ક્લોનિંગ કરી લે છે. ત્યારબાદ તેઓ માતાપિતા, ભાઈ-બહેન કે નજીકના મિત્રના અવાજમાં ફોન કરે છે. આ અવાજ એટલો અસલી લાગે છે કે અસલી અને નકલી વચ્ચેનો ફરક પારખવો લગભગ અશક્ય બની જાય છે.
કૉલ પર અકસ્માત, હોસ્પિટલની ઈમરજન્સી કે પોલીસ કેસ જેવી ખોટી કહાણી રચીને સામેવાળી વ્યક્તિને ડરાવી દેવામાં આવે છે, જેથી તેને વિચારવાનો સમય જ ન મળે. આ ગભરાહટનો લાભ ઉઠાવીને હજારોથી લઈને લાખો રૂપિયા તાત્કાલિક ટ્રાન્સફર કરવાનું દબાણ કરવામાં આવે છે. સત્ય સામે આવે ત્યાં સુધીમાં બેંક ખાતું ખાલી થઈ ચૂક્યું હોય છે.
નકલી કૉલ કેવી રીતે ઓળખવો?
ટેલિકોમ વિભાગે કેટલીક એવી મહત્વની બાબતો જણાવી છે જેનાથી નકલી કૉલ ઓળખી શકાય છે. જેમ કે આવા પ્રકારના કૉલ હંમેશાં કોઈ અજાણ્યા નંબર પરથી આવશે. સામેવાળો બહાનું બનાવશે કે તેના ફોનની બેટરી પૂરી થઈ ગઈ છે કે ફોન ખોવાઈ ગયો છે, તેથી તે અન્ય કોઈના ફોન પરથી વાત કરી રહ્યો છે.
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી કૉલ કરનાર વ્યક્તિ વિચારવાનો સમય આપ્યા વગર તાત્કાલિક પૈસા મોકલવા માટે ભારે દબાણ બનાવશે. રૂપિયા હંમેશાં કોઈ ત્રીજી જ વ્યક્તિના અજાણ્યા બેંક એકાઉન્ટમાં કે અજાણ્યા UPI આઈડી પર ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવશે. આ ત્રણ બાબતો સામે આવે ત્યારે ભાવુક થવાને બદલે તરત સાવધાન થઈ જવું.
સ્કેમથી બચવા શું કરવું?
અજાણ્યા નંબર પરથી આવતા કૉલ પર આંધળો વિશ્વાસ ન કરવો, ભલે સામે સંભળાતો અવાજ ગમે તેટલો જાણીતો કેમ ન લાગે. આવો કૉલ આવે ત્યારે ગભરાયા વગર પહેલાં કૉલ કાપી નાખો અને તમારા તે પરિવારજન કે મિત્રના અસલી નંબર પર જાતે કૉલ કરો. જો તેમનો નંબર સ્વિચ ઑફ કે વ્યસ્ત આવે તો ઘરના અન્ય કોઈ સભ્ય સાથે વાત કરીને સત્યતા ચકાસો. જ્યાં સુધી ખરાઈ ન થાય ત્યાં સુધી એક પણ રૂપિયો કોઈ અજાણ્યા ખાતામાં ન મોકલો.
શંકાસ્પદ કૉલ આવે તો તેની જાણ ભારત સરકારના સંચાર સાથી પોર્ટલ પર કરો. જો છેતરપિંડીનો ભોગ બનો તો વિલંબ કર્યા વિના નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ નોંધાવો.
