October 15, 2026
ટોપ ન્યુઝ

ગામડાની દીકરીનું મોટું સ્વપ્ન: મહીસાગરની વિપા બારિયા ‘મિશન શક્તિસેટ’ માટે દેશભરમાંથી પસંદગી પામી, ઇસરોની લેશે મુલાકાત

Spread the love

108 દેશની વિદ્યાર્થિનીઓ વચ્ચે કડાણાના પઢારા ગામની હોનહાર દીકરીએ ચમકાવી ગુજરાતનું નામઃ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા સેટેલાઇટ કોડિંગ અને ડિઝાઇનિંગની મેળવી તાલીમGemini Credit AI
ગામડામાં રહીને પણ મોટાં સપનાં જોઈ શકાય છે અને સખત મહેનત તથા યોગ્ય માર્ગદર્શનથી તેને સાકાર પણ કરી શકાય છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના પઢારા ગામની વિપા બારિયાએ પોતાની પ્રતિભા અને મહેનતથી આ વાત સાબિત કરી છે. ‘મિશન શક્તિસેટ’ અંતર્ગત દેશભરમાંથી પસંદ કરાયેલા ૨૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી વિપા એકમાત્ર વિદ્યાર્થિની તરીકે પસંદગી પામી છે.

વિપા હાલમાં ગોધરા નજીક વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ-૧૧ સાયન્સ-એ ગ્રૂપમાં અભ્યાસ કરે છે. બાળપણથી જ અવકાશ વિજ્ઞાન અને આકાશના તારાઓ પ્રત્યે જિજ્ઞાસા ધરાવતી વિપાનું સપનું પાયલટ અથવા એસ્ટ્રોનોટ બનવાનું છે.

પિતાના પ્રોત્સાહને સપનાંને આપી પાંખો
વિપાના પિતા ગુલાબભાઈ બારિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૩થી ૫ના વિદ્યાર્થીઓને ગણિત અને પર્યાવરણ વિષય ભણાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતી વિપાને પિતાએ હંમેશાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી છે. શાળાનાં શિક્ષક અને મેન્ટર દિપીકા શર્માના માર્ગદર્શને પણ તેની પ્રતિભાને આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

૧૦૮ દેશોની વિદ્યાર્થિનીઓ સાથે સેટેલાઇટ બનાવવાની તાલીમ
‘સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા’ દ્વારા આયોજિત ‘મિશન શક્તિસેટ’ અંતર્ગત વિપાએ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આવેલી ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે તા. ૨૨થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ૧૦ દિવસની આંતરરાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ૧૦૮ દેશોની અંદાજે ૧૨ હજાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યશાળા દરમિયાન વિપાએ અન્ય દેશોની વિદ્યાર્થિનીઓ સાથે સેટેલાઇટ કોડિંગ, ડિઝાઇનિંગ અને એસેમ્બલીની પ્રાયોગિક તાલીમ મેળવી હતી. કાર્યક્રમમાં તેને વિશેષ એવોર્ડ અને ટ્રોફીથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

વિપાએ જણાવ્યું હતું કે અંતરિક્ષ વિજ્ઞાન અને સેટેલાઇટ ટેકનોલોજી વિશે જાણવાની મને નાનપણથી જ જિજ્ઞાસા હતી. મિશન શક્તિસેટ માટે પસંદગી થવી અને ઇસરોની મુલાકાત લેવાની તક મળવી એ મારા માટે સ્વપ્ન સાકાર થવા સમાન છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેણે સ્પર્ધાના પ્રથમ તબક્કામાં ૨૧ મોડ્યુલ્સ અને ૫૫૦ લેસનનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કર્યો હતો.

હવે અવકાશ મિશન અને ઇસરોની મુલાકાતની તક
વિપાના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમની શ્રેણીના ભાગરૂપે તેને ૨૬થી ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હીમાં વાયાસેટ દ્વારા આયોજિત સ્પેસ ટેકનોલોજી ઇવેન્ટમાં ભાગ લેવાની તક મળી છે. ત્યારબાદ સેટેલાઇટના પ્રક્ષેપણની તારીખ નક્કી થયા પછી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ઇસરોના સ્પેસ સેન્ટરની મુલાકાત લેવાની પણ તક મળી શકે છે. મિશન હેઠળ તૈયાર કરવામાં આવનારા સેટેલાઇટ્સમાંથી એક ચંદ્રની સપાટી પર ઉતરશે, જ્યારે બીજો ચંદ્રની કક્ષામાં પરિભ્રમણ કરશે, તેમ વિપાએ જણાવ્યું હતું.

ગામડાની શાળામાંથી અવકાશ વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલી વિપા બારિયાની સફર અન્ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણારૂપ છે. પિતાનું પ્રોત્સાહન, શિક્ષકોનું માર્ગદર્શન અને અભ્યાસ પ્રત્યેની નિષ્ઠાના આધારે વિપા પોતાના અવકાશ વિજ્ઞાનના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.

વડા પ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા આદિજાતિ વિસ્તારોના હોનહાર બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક તકો પૂરી પાડવામાં આવી રહી છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ દ્વારા છેવાડાના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સમાન તકો મળી રહી છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર બની છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકો માટે આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ અને વિજ્ઞાન-ટેકનોલોજી આધારિત શિક્ષણ ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે. સાથોસાથ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના નેતૃત્વમાં વિભાગની વિવિધ યોજનાઓ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, જેથી આદિવાસી બાળકો દેશ-વિદેશમાં સફળતાના નવા શિખરો સર કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!