આઝાદી સમયે ભારત પાસે કેટલા રૂપિયા હતા? જાણો દેશના પહેલા બજેટ અને ખાલી તિજોરીની સસ્પેન્સભરી કહાની
15મી ઓગસ્ટ 1947 રોજ જ્યારે ભારતે આઝાદીનો સૂરજ જોયો, ત્યારે દેશ સમક્ષ અનેક આર્થિક અને સામાજિક પડકારો ઊભા હતા. સદીઓની બ્રિટિશ ગુલામી અને દેશના ભાગલા બાદ ભારતની તિજોરી ખાલી થઈ ચૂકી હતી. પરંતુ શું તમે જાણો છો કે ૧૯૪૭માં આઝાદી સમયે ભારત પાસે ખરેખર કેટલા રૂપિયા હતા? અને સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ કોણે અને ક્યારે રજૂ કર્યું હતું? ચાલો જાણીએ આ સ્ટોરીમાં…
બ્રિટિશ શાસકોએ ભારત છોડતી વખતે દેશના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ભાગલા સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપત્તિ અને નાણાંની વહેંચણી થઈ હતી. આઝાદી સમયે ભાગલાની શરતો મુજબ, અવિભાજિત ભારતની રોકડ અનામત (Cash Balance) આશરે રૂપિયા 400 કરોડ હતી.
જેમાંથી ભારત સરકારે પાકિસ્તાનને તેના હિસ્સા તરીકે રૂપિયા 75 કરોડ આપવાના સ્વીકાર્યા હતા. પ્રથમ હપ્તા તરીકે રૂપિયા 20 કરોડ તાત્કાલિક આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા 55 કરોડ બાદમાં ટ્રાન્સફર કરાયા હતા.
દેશ આઝાદ થયાના થોડા જ મહિનાઓમાં એટલે કે 26મી નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. દેશનું પ્રથમ બજેટ ભારતના પહેલા નાણા પ્રધાન આર. કે. સન્મુખમ શેટ્ટી (R. K. Shanmukham Chetty)એ રજૂ કર્યું હતું.
સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ માત્ર રૂપિયા રૂપિયા 171.15 કરોડનું હતું. આ બજેટમાં દેશની કુલ મહેસૂલી આવક આશરે રૂપિયા 171.15 કરોડ અંદાજવામાં આવી હતી, જ્યારે ખર્ચ રૂપિયા 197. 39 કરોડ હતો. આમ, દેશના પ્રથમ બજેટમાં આશરે રૂપિયા 26.24 કરોડની રાજકોષીય ખાધ (Deficit) જોવા મળી હતી.
કેમ ખાસ હતું આ બજેટ?
આ બજેટ કોઈ સામાન્ય વાર્ષિક બજેટ નહોતું, પરંતુ માત્ર સાડાસાત મહિના એટલે કે 15મી ઓગસ્ટ 1947થી 31મી માર્ચ 1948ના વચગાળાના સમયગાળા માટે રજૂ કરવામાં આવ્યું હતું.
આ બજેટનો મોટો હિસ્સો (આશરે 46 ટકાથી થી વધુ) સંરક્ષણ ક્ષેત્ર (Defense) અને ભાગલાના કારણે વિસ્થાપિત થયેલા શરણાર્થીઓના પુનર્વસન (Refugee Relief) માટે ફાળવવામાં આવ્યો હતો.
