August 11, 2026
ગુજરાતટોપ ન્યુઝ

Kharif Crop 2026: ગુજરાતમાં 72.47 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન, જાણો કયા પાકમાં થયો રેકોર્ડ વધારો

Spread the love

gujarat-kharif-sowing-2026

ખેડૂતોને રાહતઃ કપાસ, મગફળી, સોયાબીન અને અડદના વાવેતરમાં ખેડૂતોનો અભૂતપૂર્વ ઉત્સાહ

ગુજરાતમાં ખરીફ વાવેતર 2026: આ વર્ષે રાજ્યમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, પરંતુ હજુ પણ અનેક જિલ્લામાં વરસાદની ઘટ પડી છે, પરંતુ ખરીફ સિઝનના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં ૭૨.૪૭ લાખ હેક્ટર એટલે કે આશરે ૮૫ ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં ૫૭ ટકાથી વધુ યોગદાન રહ્યું છે.

107 ટકા વાવેતર પૂરું થયું હોવાનો સરકારનો દાવો
રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળી ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ ૨૧.૨૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના ૮૯% છે અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું ૨૦.૪૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારની સરખામણીએ ૧૦૭% વાવેતર પૂર્ણ થયું દર્શાવે છે.

સામાન્ય વાવેતર વિસ્તારના 100 ટકાને પાર
ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીન, મગફળી અને અડદના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને આ પાકોનું વાવેતર સામાન્ય વાવેતર વિસ્તારના ૧૦૦ ટકાને વટાવી ગયું છે. સોયાબીનનું સામાન્ય વાવેતર વિસ્તાર સામે સૌથી વધુ ૩ લાખ હેક્ટરમાં (૧૦૭%) વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત અડદનું વાવેતર ૮૪,૫૧૦ હેક્ટરમાં (૧૦૩%) સંપન્ન થયું છે.

શાકભાજીનું પણ વાવેતર 81 ટકાથી વધુ થયું
સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ અન્ય પાકોમાં મકાઈનું ૨.૬૮ લાખ હેક્ટરમાં (૯૫%), તુવેરનું ૨.૩૮ લાખ હેક્ટરમાં (૯૩%), ડાંગરનું ૭.૬૧ લાખ હેક્ટરમાં (૮૬ ટકા), બાજરીનું ૧.૫૧ લાખ હેક્ટરમાં (૮૪ ટકા) અને શાકભાજીનું ૨.૧૭ લાખ હેક્ટરમાં (૮૧ ટકા) વાવેતર થઈ ચૂક્યું છે.

ધાન્યમાં ડાંગર, મકાઈ અને જુવાર મોખરે
રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ ૧૧.૯૯ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ ૮૭ ટકા વાવેતર નોંધાયું છે. જેમાં ૭.૬૧ લાખ હેક્ટર વાવેતર સાથે ડાંગર મોખરે અને ૨.૬૮ લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતીય ક્રમે છે. જુવારનું વાવેતર ૧૨,૪૦૨ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા ૬,૫૮૧ હેક્ટર વાવેતર કરતાં લગભગ બમણું છે.

સૌથી વધારે વાવેતર તુવેરનું અને મઠનું ઓછું
કઠોળ પાકોનું કુલ વાવેતર ૩.૫૭ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ ૮૬ ટકા સુધી પહોંચ્યું છે. જેમાં મુખ્યત્વે તુવેરનું ૨.૩૮ લાખ હેક્ટર (૯૩%) અને અડદનું ૮૪,૫૧૦ હેક્ટર (૧૦૩%) વાવેતર થયું છે. જ્યારે મગનું વાવેતર ૨૫,૩૦૧ હેક્ટર (૪૫%) અને મઠનું વાવેતર ૮,૬૭૩ હેક્ટર (૫૯%) નોંધાયું છે.

મગફળી અને સોયાબીનનું વાવેતર વધુ
તેલીબિયાં પાકોનું કુલ વાવેતર ૨૫.૯૩ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ ૮૮% નોંધાયું છે. જેમાં, મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું વાવેતર હાલ ૨.૩૮ લાખ હેક્ટર અને તલનું વાવેતર ૧૪,૫૮૧ હેક્ટરમાં થયું છે. અન્ય પાકોમાં ઘાસચારાનું ૭.૨૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૭૧% થાય છે. જ્યારે, ગુવાર સીડનું ૩૪,૭૬૨ હેક્ટરમાં એટલે કે, ૪૦% વાવેતર પૂરું થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!