August 6, 2026
મની મેનેજમેન્ટ

QR Code Scanning Fraud: ક્યુઆર કોડ સ્કેન કરતાં પહેલાં ચેતજો! આ એક ભૂલ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરશે

Spread the love


આજના ડિજિટલ યુગમાં પેમેન્ટ કરવાની સુવિધા જેટલી વધી છે, તેની સાથે છેતરપિંડીના જોખમો પણ વધ્યા છે. આજકાલ રસ્તા પર શાકભાજી વેચતા ફેરિયાથી લઈને મોટા મોટા એસી શો રૂમમાં બસ એક ક્યુઆર કોડ સ્કેન કરીને મિનિટોમાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ આ ક્યુઆક કોડને કારણે જ છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તમે પણ જો વધારે સમજ્યા વિચાર્યા વિના બસ ક્યુઆર કોડ સ્કેન કરતાં હોવ તો તમારે આ સમાચાર વાંચી લેવા જોઈએ જેથી તમે છેતરપિંડીનો શિકાર થતાં બચી જશો.

એક નાની ભૂલ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે
પેમેન્ટ ઓનલાઈનના જમાનામાં ક્યુઆર કોડ અને નેટ બેંકિંગને કારણે હવે સ્કેમર્સ પણ વધુ હોશિયાર બની ગયા છે. સ્કેમર્સ જનતાને છેતરવા માટે અનેક પ્રકારના ઉપાયો શોધી લીધા છે. આવી જ એક ભૂલ એટલે સમજ્યા જાણ્યા વિના ક્યુઆર કોડ સ્કેન કરવા. કયુઆર કોડ સ્કેન કરતી વખતે થતી એક નાની ભૂલ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. તમારી સાથે આવું ના બને એટલે અહીં જણાવવામાં આવેલી કેટલીક ટિપ્સ તમને સ્કેમર્સનો શિકાર થતાં અટકાવશે.

પૈસા આપવા માટે કોડ સ્કેન કરવાનું કહે, તો સમજજો ફ્રોડ છે
મોટા ભાગે સ્કેમર્સ ઓનલાઇન સામાન ખરીદવાના બહાને કસ્ટરમરને ક્યુઆર કોડ મોકલે છે અને કહે છે કે આ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમારા ખાતામાં પૈસા આવી જશે. વાસ્તવમાં ક્યૂઆર કોડનો ઉપયોગ મોટા ભાગે પૈસા મોકલવા માટે થાય છે, પૈસા મેળવવા માટે ક્યારેય સ્કેન કરવાની જરૂર પડતી નથી. જો કોઈ તમને પૈસા આપવા માટે કોડ સ્કેન કરવાનું કહે, તો તમે છેતરપિંડી અથવા ફ્રોડના ભોગ બની રહ્યા છે એટલું નક્કી છે.

પર્સનલ એકાઉન્ટમાં પેમેન્ટ કરો
ઘણી વખત દુકાનો, પેટ્રોલ પંપ કે રેસ્ટોરાં રહેલાં ક્યુઆર કોડ પર અનેક વખત સ્કેમર્સ પોતાના નકલી સ્ટીકર ચોંટાડી દે છે આમ છતાં તમે જો કોઈ કોડ ઉખડેલો, ત્રાંસો કે અલગથી લગાવેલો દેખાતો હોય તો સાવધાન થઈ જજો. સ્કેન કર્યા પછી મોબાઈલ સ્ક્રીન પર જે નામ દેખાય, તે દુકાનદારના નામ સાથે ચોક્કસ મેચ કરો. જો તે કોઈ પર્સનલ એકાઉન્ટનું નામ હોય તો પેમેન્ટ ન કરો.

ઉતાવળમાં કોઈ નિર્ણય લેતા નહીં
સ્કેમર્સ ઘણીવાર રિવોર્ડ મળશે અથવા પેમેન્ટ પેન્ડિંગ છે તેવા મેસેજ મોકલીને તમને ઉતાવળમાં નિર્ણય લેવા મજબૂર કરે છે. ઉતાવળમાં માણસ વિચાર્યા વગર સ્કેન કરી દે છે, જેનો ફાયદો ઠગ ઉઠાવે છે. કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા શાંતિથી વિચારો કે શું આ ખરેખર સુરક્ષિત છે.

પિન માંગવામાં આવે તો રોકાઈ જજો
પૈસા મેળવવા માટે ક્યારેય પણ તમારો યુપીઆઈ પિન નાખવાની જરૂર હોતી નથી. જ્યારે તમે પિન એન્ટર કરો છો, તમે ખરેખર તમારા એકાઉન્ટમાંથી પૈસા કાપવાની મંજૂરી આપી રહ્યા છો. જો સ્કેન કર્યા પછી પિન માંગવામાં આવે, તો તરત જ પ્રોસેસ અટકાવી દો.
ટૂંકમાં, યુપીઆઈનો વપરાશ કરતા હો તો તમારા માટે મહત્ત્વની માહિતી છે. આ ઈન્ફર્મેશન તમારા ફેમિલી ફ્રેન્ડ અથવા તમારા પરિવારના સભ્યો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ છેતરપિંડીનો ભોગ બને નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!