આ તારીખથી દેશમાં દોડશે પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો ટ્રેનની ખાસિયતો!
દેશમાં બુલેટ ટ્રેનની ચર્ચા અને વંદે ભારતની લોકપ્રિયતા વચ્ચે લોકો માટે વધુ એક ટ્રેન લાઈમલાઈટમાં આવી છે અને એ છે હાઈડ્રોજન ટ્રેન. હાઈડ્રોજન ટ્રેન 17 જુલાઈના વડા પ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપીને શરુ કરશે. આ ટ્રેનની વિશેષતા એ છે કે એ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નિકથી ચલાવવામાં આવશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. આ હાઈડ્રોજન ટ્રેન ગ્રીન ટ્રાન્સપોર્ટ મિશન અને મેક ઈન ઈન્ડિયાની સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
રેલવે પણ આ ટ્રેનનું ભાડું પણ મિનિમમ રાખશે. પ્રવાસીઓને મિનિમમ પાંચ અને મહત્તમ 25 રુપિયાનું ભાડું ચૂકવવાનું રહેશે. ટ્રેનની સ્પીડની વાત કરીએ તો હાઈડ્રોજન ટ્રેન કલાકમાં 90 કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેનની મુસાફરી ડીએમયુ ટ્રેનથી લગભગ બે કલાકમાં પૂરી થાય છે, જે એક કલાકમાં પૂરું કરશે. આ ટ્રેનમાં પેસેન્જર કેપેસિટી પણ 2,500ની હશે.
ટેક્નિકથી ચલાવાશે અને પ્રદૂષણ ઘટશે
આ ટ્રેન 1,200 કિલોવોટ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પ્રોપલ્શન સિસ્ટમ આધારિત હશે, જેમાં ડીઝલના બદલે હાઈડ્રોજન અને ઓક્સિજનના કેમિકલ પ્રોસેસથી વીજળી બનાવવામાં આવશે. આ પૂરી પ્રક્રિયામાં ફક્ત ભેજ-વરાળ નીકળે છે, જેનાથી વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો અને કાર્બન ઉત્સર્જન થશે નહીં અને એક વખત હાઈડ્રોજન ભરવાથી આ ટ્રેન લગભગ 250 કિલોમીટર સુધી ચાલી શકશે.
સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા
રેલવેએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ કામગીરી કરી છે. ટ્રેનમાં લગભગ 27 હાઈડ્રોજન સિલિન્ડર લગાવવામાં આવશે. હાઈડ્રોજન લીકેજ ડિટેક્ટર, ફાયર ડિટેક્ટર અને આધુનિક કંટ્રોલ સિસ્ટમ લગાવી છે, જેની નિયમિત તપાસ કરવામાં આવશે. ટ્રેનની ડિઝાઈન લખનઊ સ્થિત આરડીએસઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે એનું નિર્માણ કાર્ય ચેન્નઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)માં કરવામાં આવ્યું છે.
ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની દિશામાં મહત્ત્વનું પગલું
લગભગ 89 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ટ્રેન ભારતીય રેલવેની એક ઐતિહાસિક ઉપલબ્ધિ માનવામાં આવે છે. હરિયાણા-દિલ્હી વચ્ચે સફળ ટ્રાયલ પછી 17મી જુલાઈથી શરુ કરવામાં આવશે. હાઈડ્રોજન ટ્રેનથી ડીઝલ પરની નિર્ભરતામાં ઘટાડો થશે, જ્યારે પર્યાવરણ સંરક્ષણ દિશામાં પણ મજબૂતાઈ મળશે. 17 જુલાઈના ભારતીય રેલવેના ઈતિહાસમાં હાઈડ્રોજન ટ્રેનનું સુવર્ણ અક્ષરે નામ લખાશે.
