ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજો થાઈલેન્ડની મુલાકાત બાદ દક્ષિણ-પૂર્વ એશિયામાં તૈનાત
INS ઉદયગિરિ, કવરત્તી અને શક્તિએ થાઈલેન્ડના સટ્ટાહીપ બંદરની લીધી મુલાકાત

ભારતીય નૌસેનામાં પૂર્વીય કાફલાના ફ્લેગ ઓફિસર રિયર એડમિરલ આલોક આનંદના કમાન્ડ નેતૃત્વ હેઠળ યુદ્ધ જહાજો આઈએનએસ ઉદયગિરિ, કવરત્તી અને શક્તિ 29 જૂન, 2026ના થાઈલેન્ડના સટ્ટાહીપ બંદર ખાતે પોતાનો નિર્ધારિત સ્ટે કર્યા પછી દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં તેમની આગામી ઓપરેશનલ (કાર્યકારી) તૈનાતી માટે રવાના થયા છે.
આ મુલાકાત દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાથે ભારતની સતત સહભાગિતાનો એક ભાગ હતી. તેણે ભારત અને થાઈલેન્ડ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા દરિયાઈ સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે. બંને દેશોની નૌસેનાઓના વરિષ્ઠ નેતૃત્વ વચ્ચે થયેલી ચર્ચાઓનું મુખ્ય કેન્દ્ર દ્વિપક્ષીય નૌકા સહયોગને વધુ સુદૃઢ કરવાનું હતું. જેનો ઉદ્દેશ્ય પરસ્પર સહભાગિતા સાથે તાલમેલ વધારવો અને દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલા સહિયારા હિતો તેમજ પ્રાદેશિક સહયોગને આગળ વધારવાનો હતો.
આ મુલાકાત દરમિયાન ભારતીય નૌસેનાના જહાજોએ રોયલ થાઈ નેવી સાથે વ્યાવસાયિક આદાન-પ્રદાન, ઓપરેશનલ વિચાર-વિમર્શ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સટ્ટાહીપ બંદર પર રોકાણ દરમિયાન આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ કવરત્તી પર એક સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થાઈલેન્ડમાં ભારતના રાજદૂત, રોયલ થાઈ નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ, રાજદ્વારી સમુદાયના પ્રતિનિધિઓ અને ભારતીય સમુદાયના અગ્રણી સભ્યોએ ભાગ લીધો હતો.
આ તૈનાતી ભારતના મહાસાગર (ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર અને સર્વાંગી ઉન્નતિ) દ્રષ્ટિકોણને આગળ વધારે છે, જે એક સંગઠિત દરિયાઈ સમુદાયને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. આ સામૂહિક દરિયાઈ સુરક્ષા, પ્રાદેશિક ભાગીદારી અને નિયમ-આધારિત દરિયાઈ વ્યવસ્થા પ્રત્યે ભારતીય નૌસેનાની કર્તવ્યનિષ્ઠાને પણ દર્શાવે છે. સાથે જ, તે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના ગાઢ દરિયાઈ સહયોગ, પરસ્પર વિશ્વાસ, મૈત્રીપૂર્ણ સંબંધો અને લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારીને પણ પ્રદર્શિત કરે છે.
. મુલાકાતનો હેતુ: ભારતની ‘સાગર’ (SAGAR) દ્રષ્ટિકોણ અંતર્ગત પ્રાદેશિક સુરક્ષા, નિયમ-આધારિત દરિયાઈ વ્યવસ્થા અને થાઈલેન્ડ સાથે વ્યાવસાયિક, વ્યૂહાત્મક તેમજ મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ સુદૃઢ બનાવવાનો છે.
