મુંબઈના કચ્છી કપલનો અનોખો ‘સેવાયજ્ઞ’: સેંકડો લોકો માટે બન્યા ભગવાન!

મહેનત અને પરિણામ એ બંને અલગ અલગ વસ્તુ છે, પણ બંને પરસ્પર એકબીજાને ચોક્કસ કનેક્ટ કરે છે. અઠવાડિયામાં સાત દિવસમાં એક દિવસ તો રજાનો હોય, જેમાં રિલેક્સ થવા અને આરામ કરવાનું દરેક મન હોય છે. રજાને પણ ગૌણ માનીને મુંબઈનું એક કચ્છી કપલ દર અઠવાડિયે લોકો માટે સમય કાઢીને 100થી વધુ માણસને જમાડે છે. સેલ્યુટ કરવાનું મન થાય એવી વાત છે કે નહીં જો હા, તો ચાલો જાણીએ સમગ્ર વાતો વિગતથી.
રવિવારના સવારના બ્રેકફાસ્ટનું સરનામું
મુંબઈના ભાંડુપ વિસ્તારમાં રહેતું દેઢિયા દંપતી તેમના નિસ્વાર્થ સેવાયજ્ઞને કારણે જાણીતું બની ગયું છે. કહેવાય છે કે આ સેવાયજ્ઞ ચલાવવા માટે બંને દંપતી શનિવારની રાતથી લઈને રવિવાર બપોર સુધી કામ કરે છે. રવિવારના વહેલી સવારના ચાર વાગ્યાથી પૂજા અને દીપેશ દેઢિયાના પરિવાર જાગી જાય છે અને લગભગ 100 લોકો માટે સવારનો બ્રેકફાસ્ટ રેડી કરવા માટે કામે લાગી જાય છે, જેમાં કોઈ દોડાદોડી નહીં પણ પોતાની રિધમમાં જ કામ કરે છે એ પણ વર્ષોથી લોકોને મોજથી બ્રેકફાસ્ટ કરાવે છે અને સવાર સવારમાં લોકો પણ દર રવિવારે તેમની આતુરતાથી રાહ પણ જુએ છે.
ત્રણ વર્ષથી વિના બ્રેક સેવાયજ્ઞ છે ચાલુ
સૌથી ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી દર રવિવારે લોકોને નિયત સમયે ડિલિવરી પણ પહોંચાડે છે. પતિ-પત્નીના સંયુક્ત સાહસને લઈ માતોશ્રી ફાઉન્ડેશન બનાવ્યું છે, જે જરુરિયાતમંદને દર રવિવારે વિના કોઈ પૈસે ફૂડ પહોંચાડવામાં આવે છે. પૂજા પણ એક શ્રેષ્ઠ કૂક છે. ઘર-પરિવારમાં બે બાળકોને સાચવવાની સાથે એક બેસ્ટ શેફ તરીકેની કામગીરી પણ નિભાવે છે, જ્યારે દીપેશ દેઢિયા પણ એક બેન્કર છે, જ્યારે માતોશ્રી ફાઉન્ડેશનના સ્થાપક છે.
એક અજાણ્યા માણસની મદદ પ્રેરણા બની
દીપેશ દેઢિયાએ પોતાની વ્યક્તિગત વાત શેર કરતા કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી તબિયત નાજુક હતી અને બ્લડની જરુરિયાત હતી અને એ વખતે મને મદદ મળી, પણ મને એ ખબર નહોતી કે એ કોણી મદદ કરી હતી એને મેં ક્યારેય જોયા નથી પરંતુ એના પછી મને લોકો માટે કંઈક કરવાની ઈચ્છા જાગી, જેને જરુર છે, ત્યાર પછી મેં સોશિયલ એક્ટિવિટીઝ શરુ કરી. ચોક્કસ એટલું કહી શકો કોઈ અજાણ્યા દીપેશભાઈને મદદ કરી, પણ આજે એ જ પોતે હજારો લોકો માટે ખાણીપીણી માટે સ્વૈચ્છિક મદદનું કેન્દ્ર બન્યા છે.
લગ્ન પછી પત્નીએ હોંશેહોંશે કરી હતી મદદ
એક મુલાકાતમાં દીપેશ દેઢિયાએ જણાવ્યું હતું કે મારા મનની ઈચ્છા હતી કે હું મારી પોતાની એનજીઓ બનાવું, જેમાં લોકોને મદદ કરી શકું, પણ એમાં કોઈ ધર્મ કે સમુદાયને બાંધવા માગતો નહોતો. એમ જ કર્યું અને દર રવિવારે દરેક વર્ગના માટે જમવાનું બનાવવાનું નક્કી કર્યું. મે, 2023માં લગ્ન પછી પત્ની સાથે મળીને માતોશ્રી ફાઉન્ડેશન બનાવ્યું અને પત્નીની મદદથી દર રવિવારે લોકો માટે ભંડારાનું આયોજન કર્યું. 2023 જૂનમાં શરુ કર્યા પછી તો અમને જોરદાર રિસ્પોન્સ મળ્યો અને ડોનર પણ મળવા લાગ્યા. બીજી જુલાઈ, 2023થી લઈ આજ સુધી દર રવિવારે લોકોને મોર્નિંગ બ્રેકફાસ્ટ પૂરો પાડે છે. વહેલી સવારના ચાર વાગ્યાથી લોકો માટે નાસ્તો તૈયાર કરવાની જવાબદારી પૂજા નિભાવે છે, જેમાં દર ગુરુવારે મેનુ તૈયાર કરીએ છીએ.
ઘરમાં નવા મહેમાનના આગમન પછી પણ ચાલુ
વિગતે વાત કરતા કપલે કહ્યું કે જો મિસળ-પાંવ અથવા છોલે હોય તો ત્રણ વાગ્યે જાગી જઈએ અને પૌંઓ જેવી હળવી વસ્તુ હોય તો ચાર વાગ્યે જાગી જઈને તૈયારી કરીએ છીએ, જેમાં ચોપિંગ, કૂકિંગ વગેરેમાં અમે જ બધી મહેનત કરીએ છીએ, જેમાં હેલ્પરની મદદ પણ લેતા નથી.
અમે લોકો અમારી રીતે બધુ મેનેજ કરીએ છીએ. હું અને પૂજા. બધુ કામકાજ કરવામાં ત્રણથી ચાર કલાક લાગે છે, જેમાં ક્યારેક ઓવરટાઈમ પણ થઈ જાય છે, પણ આ કામ કરવામાં પણ મજા આવે છે. ઘરમાં નવા મહેમાનના આગમન પછી પણ આ કામગીરીને રોકી નથી. સારા-નરસા દિવસોમાં પણ આ પરંપરા જાળવી રાખી છે એ મજાની વાત છે. અમારી કામગીરીને લઈ અન્ય લોકોએ પણ પ્રેરણા લીધી છે, જે ગૌરવની વાત છે, એમ તેમણે જણાવ્યું હતું.
