May 6, 2026
ટોપ ન્યુઝ

પહલગામ હુમલો: કાશ્મીરની શાંતિ હણનાર ૫ મોટી સુરક્ષા ભૂલો

Spread the love

૨૨ એપ્રિલ ૨૦૨૫ની એ કાળી રાત, જેણે સુરક્ષા એજન્સીઓ અને વ્યૂહરચના સામે ગંભીર સવાલો ઊભા કર્યા

પંજાબના જલંધરમાં ગઈકાલે બે તબક્કાવાર વિસ્ફોટ થયા, જેનાથી પ્રશાસન હરકતમાં આવી ગયું છે. દેશમાં અશાંતિ ફેલાવવા માટે આતંકવાદીઓ હંમેશ તૈયારીમાં હોય છે, જેમાં અગાઉ કાશ્મીર હોય કે પંજાબ. 22 એપ્રિલ 2025ના કાશ્મીરના ઈતિહાસમાં કાળીટીલી સમાન તારીખ હતી, જ્યાં પહલગામના શાંત અને સુંદર બૈસરન મેદાનમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને શાંતિ હણી નાખી હતી. આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં 25 પર્યટકો અને સ્થાનિક નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. હુમલા પછી દેશમાં લોકોમાં જોરદાર ગુસ્સો ફેલાયો હતો, પરંતુ એની સાથે આપણી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા હતા.

ગુપ્તચર વિભાગ અને ગૃહ મંત્રાલયે પછી સ્વીકાર્યું હતું કે આ હુમલાને રોકવામાં અમુક ભૂલ પણ થઈ હતી, જેનો ફાયદો આતંકવાદીઓએ ઊઠાવ્યો હતો. એના એક વર્ષ પછી આજે એને યાદ કરીએ છીએ ત્યારે એ વાત જાણવાની જરુર છે કે એ પાંચ કઈ ભૂલ હતી અને ભારત સરકાર ભવિષ્યમાં આ હુમલાને રોકવા માટે કઈ રીતે સજ્જ થવું પડે.

પહલગામ હુમલા પછી સર્વપક્ષની બેઠકમાં એક વાત બહાર આવી હતી કે સુરક્ષા એજન્સી પાસે આ પ્રકારના હુમલાને લઈ કોઈ ચોક્કસ માહિતી નહોતી. સામાન્ય રીતે કાશ્મીરમાં મોટા આયોજન અથવા પર્યટન સિઝન વખતે ગુપ્તચર એજન્સી સંદીગ્ધ ગતિવિધિઓ પર નજર રાખતી હોય છે, પરંતુ આ વખતે આતંકવાદીઓએ લો-પ્રોફાઈલ રણનીતિ અપનાવી હતી. આ અગાઉ ચેતવણી પેટર્ન નહીં અપનાવી એ સુરક્ષા એજન્સી માટે મોટી નિષ્ફળતા હતી. આતંકવાદીઓએ એવા વિસ્તારની પસંદગી કરી, જ્યાં ભારે સુરક્ષા હોવા છતાં સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવ્યા.

પહલગામ જેવા સંવેદનશીલ ટૂરિસ્ટ પ્લેસ પર હંમેશાં થ્રી-ટિયર સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે, જ્યાં સ્થાનિક પોલીસ, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને આર્મીની ટુકડી પણ હોય છે, પરંતુ આતંકવાદીઓ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં સમય પણ વીતાવ્યો હતો. સાક્ષીઓએ કહ્યું હતું કે હુમલાખોરોએ પીડિતોના નામ, ધર્મ, જાતિ પૂછીને માર્યા ત્યાં સુધી પહોંચવામાં પ્રશાસનને વિલંબ થયો હોવાનું પણ માન્યું હતું.

સુરક્ષા એજન્સી પાસે સૌથી મોટો પડકાર હાઈબ્રીડ આતંકવાદીઓ હતા, જેમાં તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ હોતો નથી. સ્થાનિક નાગરિકોના માફક લોકો સાથે હળી મળીને રહેતા હતા, જ્યારે તેમને સ્થાનિક વિસ્તારની સંપૂર્ણ જાણકારી હતી. તેમની પાસે આધુનિક હથિયારો હતા, જેના અંગે કોઈ જાણકારી નહોતી. આ પ્રકારની ગતિવિધિની જાણવામાં ગુપ્તચર એજન્સી નિષ્ફળ રહી હતી.

હુમલા પછી જે સુરક્ષા ઓડિટ કરવામાં આવ્યું હતું, ત્યાં પર્યટકોની ભીડ વધારે હતી. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે રિસ્પોન્સ અને કાઉન્ટર એટેક વચ્ચે પણ ઘણો સમય પસાર થયો હતો, જેનો ફાયદો ઊઠાવીને આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પહાડી વિસ્તાર હોવાથી કમ્યુનિકેશન અને તાત્કાલિક રિએન્ફોર્સમેન્ટ પહોંચી શકી નહીં એ પણ મોટી ભૂલ હતી.

કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા પછી રાજ્યમાં પર્યટન અને ધાર્મિક સ્થળોની સુરક્ષામાં થોડી રાહત મૂકવામાં આવી હતી. રાજ્યના સંવેદનશીલ શહેરો અને હાઈવે પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ એનો ફાયદો ઊઠાવ્યો અને સોફ્ટ ટાર્ગેટ પસંદ કરવામાં આવ્યો. સુરક્ષા એજન્સીએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે આતંકવાદીઓ ખુલ્લા મેદાનમાં પર્યટકોને નિશાન બનાવશે અને સાંપ્રદાયિક તણાવ વધારશે. આ હુમલાથી ભારતે પાઠ ભણ્યો છે, જેમાં સુરક્ષા ફક્ત બંદૂકો યા હથિયારોથી નહીં, પરંતુ ટેક્નોલોજી, વ્યૂહરચના આધારિત હોય છે. આ હુમલા પછી આતંકવાદીઓના લોન્ચ પેડ, પાકિસ્તાનમાં બેઠેલા આકા અને અડ્ડાઓને નેસ્તનાબુદ કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓના લોન્ચ પેડ નાબૂદ કરીને ભારત હવે ફક્ત ડિફેન્સિવ નહીં રહે એ પણ મેસેજ આપ્યો હતો.

સરકારે આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે, અટારી વાઘા બોર્ડર બંધ કરી હતી, પાકિસ્તાની નાગરિકો માટે વિઝા યોજના બંધ કરવામાં આવી હતી. પહલગામ હુમલા પછી હજુ પણ પરિસ્થિતિ બદલાઈ નથી, દેશમાં હજુ પણ અસામાજિક તત્વો નરાધમોને સપોર્ટ કરે છે. ભારત ગમે તેટલી તૈયારી કરે પણ સ્થાનિક લોકો વધુ સાવધાન રહે તો એની કિંમત ચૂકવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!